જયપુરમાં સોનિયા ગાંધીના PM પર આકરા પ્રહાર, ‘ખુદને મહાન બનાવીને લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું’

જયપુર: દેશમાં લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર પડઘમ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર વિવિધ મુદ્દે આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. જેમ કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે શનિવારે પીએમ મોદીને નિશાન બનાવીને આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમમાં યોજાયેલી રેલીમાં સોનિયા ગાંધીએ લોકોને સંબોધતા કહ્યું કે આ દેશ કેટલાક લોકોની જાગીર નથી, દેશથી મોટું કોઈ થઈ શકતું નથી.
સોનિયા ગાંધીએ પીએમ મોદી પર લોકશાહીનું વસ્ત્રાહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો, આજે દેશની લોકશાહી ખતરામાં છે, લોકતાંત્રિક સત્તાઓને બરબાદ કરવામાં આવી રહી છે. આપણા દેશના બંધારણને બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે, આ બધું સરમુખત્યારશાહી છે અને લોકો તેનો જવાબ આપશે.
સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે મોદીજી ખુદને મહાન માનીને દેશ અને લોકશાહીની મર્યાદાનું ચીરહરણ કરી રહ્યા છે, વિપક્ષી નેતાઓને ડરાવવા, ધમકાવવા, અને ભાજપમાં સામેલ થવા માટે વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણા દેશની લોકશાહી ખતરામાં છે, અને અમે તેને બચાવવા માટે આપણે બધા એકજુથ થયા છીએ. તેમણે કહ્યું કે આજે રોજનું કમાઈને ખાનારા લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું છે.
સોનિયા ગાંધીએ મોદી સરકારની આર્થિક નિતીઓની પણ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે બેરોજગારીને હટાવવા માટે કોઈ જ પ્રયાસો કર્યા નથી. દેશમાં મોંઘવારી, બેરોજગારી, આર્થિક અસમાનતા અને દલિતો પર અત્યાચાર વધ્યો છે.