શિમલામાં સોનિયા ગાંધીની તબિયત બગડી, IGMC હોસ્પિટલમાં દાખલ...

શિમલામાં સોનિયા ગાંધીની તબિયત બગડી, IGMC હોસ્પિટલમાં દાખલ…

શિમલા: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત શનિવારે અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 જૂનથી તેમની પુત્રી પ્રિયંકા ગાંધી સાથે શિમલાના છરાબડા સ્થિત પોતાના નિવાસસ્થાને રોકાયેલા સોનિયા ગાંધીને શનિવારે અચાનક અસ્વસ્થતા અનુભવાતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

તબીબોની ટીમ દ્વારા સઘન દેખરેખ
IGMC હોસ્પિટલમાં સોનિયા ગાંધીને ખાસ VIP વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં નિષ્ણાત ડોકટરોની એક ટીમ તેમની સારવાર અને સઘન દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલ પ્રશાસન અનુસાર, તેમની MRI સહિતની અન્ય જરૂરી તપાસો કરવામાં આવી રહી છે જેથી તેમની તબિયત બગડવાના ચોક્કસ કારણો જાણી શકાય. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની સારવારની દિશા નક્કી કરવામાં આવશે. હોસ્પિટલ પ્રશાસને સુરક્ષાના કારણોસર સમગ્ર પરિસરને એલર્ટ મોડ પર મૂકી દીધું છે અને પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

મુખ્ય પ્રધાને કાર્યક્રમો રદ કર્યા
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સોનિયા ગાંધીના સ્વાસ્થ્યના સમાચાર મળતા જ હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનના ઠાકુર સુખવિંદર સિંહ સુક્ખુએ તેમના સરકારી કાર્યક્રમો રદ કર્યા હોવાની પણ વિગતો છે અને તાત્કાલિક શિમલા પરત ફરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન સુક્ખુ શનિવારે સવારે ઊના જિલ્લાના પ્રવાસે હતા, જ્યાં તેમણે ગગરેટ વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

ગરમીની રજાઓ માટે શિમલામાં હતા સોનિયા ગાંધી
ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી દર વર્ષે ઉનાળામાં થોડા દિવસો માટે હિમાચલ પ્રદેશના શાંત અને કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવા આવે છે. આ વખતે પણ તેઓ પોતાના પારિવારિક નિવાસસ્થાને પહોંચ્યા હતા, પરંતુ અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી હજુ સુધી તેમની તબિયત અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આપણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટે રાહુલ-સોનિયા ગાંધીને નોટિસ ફટકારી, જાણો કોર્ટે શું કહ્યું

Back to top button