ભાજપને ઝાટકી અને કૉંગ્રેસના નેતાઓને પણ પાઠ ભણાવ્યો સોનિયા ગાંધીએ

નવી દિલ્હીઃ કૉંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષા Congress Parliamentary Party (CPP)સોનિયા ગાંધીએ આજની બેઠકમાં ભાજપ પર પ્રહારો કર્યા છે અને સાથે કૉંગ્રેસના નેતાઓને પણ સલાહ આપી છે.
સોનિયા ગાંધીએ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સીપીપીની બેઠકમાં પાર્ટીના નેતાઓને કહ્યું કે આપણે આત્મસંતોષ અને વધુ પડતા આત્મવિશ્વાસમાં ન બનવું જોઈએ, વાતાવરણ આપણા પક્ષમાં છે અને આને જાળવી રાખવા વધારે મહેનત કરવી પડશે.
તેમણે કહ્યું કે આપણને લાગતું હતું કે મોદી સરકાર લોકસભાની ચૂંટણીના પરિણામોમાંથી પાઠ શીખશે, પરંતુ તે હજી પણ બે ધર્મ-સમુદાયોમાં ભાગલા પાડવાની અને ભય અને દુશ્મનાવટનું વાતાવરણ પેદા કરવાની કોશિશો કરે છ. આ દરમિયાન તેમણે RSS પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આરએસએસ પોતાને સાંસ્કૃતિક સંગઠન કહે છે, પરંતુ આખી દુનિયા જાણે છે કે તે ભાજપનો રાજકીય અને વૈચારિક આધાર છે.
આ પણ વાંચો : RSS ના વડા મોહન ભાગવતે જણાવ્યું કેમ નથી વડાપ્રધાન કે અન્ય કોઇ મહત્વના પદ પર
સોનિયા ગાંધીએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં ખેડૂતો અને યુવાનોની માંગણીઓને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે સરકારનો વસ્તીગણતરી કરાવવાનો કોઈ ઈરાદો નથી. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી કાવડ યાત્રાનો ઉલ્લેખ કરતાં સોનિયા ગાંધીએ નેમપ્લેટ વિવાદ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સદનસીબે સુપ્રીમ કોર્ટે યોગ્ય સમયે હસ્તક્ષેપ કર્યો, પણ આ કાયમી ઉકેલ નથી. સોનિયા ગાંધીએ વાયનાડમાં ભૂસ્ખલનમાં 100 થી વધુ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
આ સાથે તેમણે કૉંગ્રેસના નેતાઓને પણ સાબદા કર્યા કે લોકસભાની ચૂંટણીમાં સારું કામ કર્યું તેમ સમજી બેસી નથી રહેવાનું. મહિનામાં ચાર રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ચૂંટણી બાદના સકારાત્મક વાતાવરણને જાળવી રાખવું જરૂરી છે. આપણે આત્મસંતુષ્ટ અને વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવાનું પરવડે તેમ નથી. રાજકીય વાતાવરણ ભલે આપણી તરફેણમાં છે, પરંતુ આપણે ધ્યેયને ધ્યાનમાં રાખીને એક થઈને કામ કરવું પડશે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ આગામી ચૂંટણીમાં વધુ સારું પ્રદર્શન કરશે તો રાષ્ટ્રીય રાજનીતિમાં પણ પરિવર્તન આવી શકશે.