‘મારા પતિ દેશ માટે ખતરો નથી’: સોનમ વાંગચુકની પત્નીએ રાષ્ટ્રપતિને પત્ર લખી માંગ્યો હસ્તક્ષેપ

નવી દિલ્હી: કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ફેલાયેલી હિંસાના કેસમાં લેહથી શુક્રવારે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ધરપકડના મામલે તેમની પત્ની ગીતાંજલિ જે. આંગમોએ સુપ્રીમ કોર્ટમાં બંદી પ્રત્યક્ષીકરણની અરજી દાખલ કરી છે. તેમણે વાંગચુકની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. આ અરજી બંધારણના અનુચ્છેદ 32 હેઠળ દાખલ કરવામાં આવી છે.
ગીતાંજલિ જે. આંગમોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને પણ હસ્તક્ષેપ કરવા અને પતિની બિનશરતી મુક્તિ માટે વિનંતી કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે છેલ્લા ચાર વર્ષથી લોકોના હિત માટે કામ કરવા બદલ તેમના પતિને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેમણે પત્રમાં કહ્યું કે વાંગચુક દેશ માટે કે કોઈ પણ વ્યક્તિ માટે ખતરો બની શકે તેમ નથી, કારણ કે તેમણે પોતાનું જીવન લદ્દાખની ધરતીના સપૂતોની સેવા માટે સમર્પિત કર્યું છે.
લદ્દાખમાં હિંસક અથડામણ અને મૃત્યુ
લદ્દાખમાં રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગ સાથે લાંબા સમયથી પ્રદર્શન ચાલી રહ્યા છે. ગત બુધવારે લેહ એપેક્સ બોડી (LAB) દ્વારા બોલાવવામાં આવેલા બંધ દરમિયાન, લેહમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ચાર લોકોનાં મોત થયા હતા અને 90 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
લદ્દાખમાં થયેલી હિંસા અને સોનમ વાંગચુકની ધરપકડ બાદ, લદ્દાખ બૌદ્ધ સંઘ (LBA) અને અખિલ લદ્દાખ ગોંપા સંઘ (ALGA) દ્વારા એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. આ ત્રણે સંસ્થાઓ દ્વારા પ્રદર્શનકારીઓ પર પોલીસ અને અર્ધસૈનિક દળો દ્વારા કરવામાં આવેલા અતિશય બળ પ્રયોગ અને અંધાધૂંધ ગોળીબારની નિષ્પક્ષ ન્યાયિક તપાસ, મૃત્યુ પામેલા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના આશ્રિતોને પર્યાપ્ત વળતર તેમજ કાર્યકર્તા સોનમ વાંગચુકની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે.
આ પણ વાંચો…સોનમ વાંગચુકને લેહથી રાજસ્થાનના જોધપુર ખસેડવામાં આવ્યા