તમિલનાડુમાં વીમાના 3 કરોડ માટે દીકરાએ સાપ કરડાવી પિતાની હત્યા કરી…

ચેન્નઈ: પૈસાની લાલચમાં લોહીના સબંધોની પણ લાજ રહેતી નથી, આવી જ એક ઘટના તમિલનાડુથી પ્રકાશમાં આવી હતી. જ્યાં યુવકોએ પોતાના પિતાની હત્યા માત્ર એટલા માટે કરી નાખી કે પિતાના મૃત્યુ બાદ આરોપીઓને વીમાના પૈસા મળી શકે. આરોપીઓએ વીમાના પૈસા મેળવવા માટે પિતાની જે રીતે હત્યા કરી તે અત્યંત ભયાનક હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ પિતાને મારવાનું આયોજન અગાઉ પણ ઘણી વખત કર્યું હતું, એક વાર તો પિતાને કોબ્રા સાપ પાસે કરડાવ્યો પણ હતો, પરંતુ તે સમયે પિતા કોઈક રીતે બચી ગયા હતા.
આ બનાવ તમિલનાડુના તિરુવલ્લૂરનો હોવાના અહેવાલ મળી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, થોડા મહિના પહેલા 56 વર્ષીય ઈ. પી. ગણેશનના મોત થયું હતું. તે સમયે ગણેશનના પુત્રોએ જણાવ્યું હતું કે તેમના પિતાનું મૃત્યુ કુદરતી રીતે થયું છે, પરંતુ વીમા કંપનીને ગણેશનના પુત્રના આ દાવા અને મોતના સંજોગો પર શંકા ગઈ હતી, ત્યાર બાદ આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જોકે, શરૂઆતમાં પોલીસે ગણેશનના મોતને અકસ્માત ગણીને ગુનો નોંધ્યો હતો. પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પુત્રોએ તેમના પિતાનો ત્રણ કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો હતો. વીમાની રકમ મેળવવા માટે જ આરોપી પુત્રએ તેના પિતાના મોતનું કાવતરું ઘડ્યું હતું. પોલીસ તપાસ જેમ-જેમ આગળ વધી તેમ-તેમ એ સ્પષ્ટ થઈ ગયું કે ગણેશનનું મૃત્યુ કુદરતી નહોતું, પરંતુ એક યોજના બનાવીને કરવામાં આવેલી હત્યા હતી. તેઓ અગાઉ પણ આવા અનેક પ્રયાસો કરી ચૂક્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી પુત્રોએ તેમના પિતાનો લગભગ ત્રણ કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો હતો. આ વીમાની રકમ મેળવવાની લાલચમાં ઈ. પી. ગણેશનના પુત્રોએ તેમની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.
આરોપીઓએ પિતાને પહેલા સાપ પાસે કરડાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જ્યારે તેમનું મૃત્યુ થયું, ત્યારે પુત્રોએ એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે આ એક કુદરતી મૃત્યુ છે. મૃત્યુના લગભગ એક અઠવાડિયા પહેલા પણ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં કોબ્રાની વ્યવસ્થા કરીને પીડિતના પગમાં કરડાવ્યો હતો. જોકે, એ યોજના નિષ્ફળ રહી હતી કારણ કે સાપનું કરડવું જીવલેણ સાબિત થયું નહોતું.
તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓએ જે દિવસે આ ઘટનાને અંજામ આપ્યો તે દિવસે વહેલી સવારે ઘરમાં એક ઝેરી સાપ લાવવામાં આવ્યો હતો અને જાણીજોઈને પીડિતની ગરદન પર તેના દ્વારા બચકું ભરાવવામાં આવ્યું હતું. સાપ કરડ્યા બાદ પુરાવાના નાશ કરવા અને આ ઘટનાને કુદરતી મૃત્યુ સાબિત કરવા માટે સાપને ઘરની અંદર જ મારી નાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…વીમાના ₹40 લાખ માટે બહેને પ્રેમી સાથે મળી બહેનને મોતને ઘાટ ઉતારી!
આરોપીઓએ પીડિતને હોસ્પિટલ લઈ જવામાં પણ જાણીજોઈને વિલંબ કર્યો હતો. પોલીસે આ મામલે ગણેશનના બે પુત્રો અને સાપની વ્યવસ્થા કરવામાં તેમજ ઘટનાને અંજામ આપવામાં મદદ કરનાર ચાર સાથીદારો સહિત કુલ છ લોકોની ધરપકડ કરી હતી.



