નેશનલ

સોમવતી અમાસે શૅરબજાર – સોનામાં ચાંદી જ ચાંદી

માર્કેટ કૅપ 400 લાખ કરોડને પાર

મુંબઈ: ભારતના શૅરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલી ઐતિહાસિક તેજી હજુ પણ યથાવત્ છે. આ ઐતિહાસિક તેજીમાં ઘરેલું શેર નવી નવી ઊંચાઈ સર કરી નવા નવા વિક્રમ બનાવી રહ્યા છે. નવા નાણાંકીય વર્ષમાં નવા સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા બાદ સોમવારે ભારતીય શેરબજારના નામે નવો વિક્રમ સ્થાપિત થઈ ગયો હતો. ઈતિહાસમાં પહેલીવાર થયું છે જ્યારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ કૅપ રૂ. 400 લાખ કરોડના આંકને આંબી ગઈ હતી.

ભારતીય શેરબજાર નવા નાણાંકીય વર્ષ 2024-25ના સોમવારે નવી ઊંચાઈ આંબવામાં સફળ રહ્યું હતું અને બજાર ખૂલતાંની સાથે જ નવું સર્વોચ્ચ સ્તર મેળવવાનો વિક્રમ સ્થાપિત કરી દીધો હતો. સોમવારે આરંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ 74,673.84 અને નિફ્ટી 22,630.90ના નવા સ્તરે પહોંચ્યો હતો. આ અગાઉ
ગયા અઠવાડિયે પણ આ બંને સૂચકાંકે નવા શિખરને સ્પર્શ કર્યો હતો. છેલ્લાં એક વર્ષ દરમિયાન ભારતીય શેરબજારમાં 25થી 30 ટકાની રૅન્જમાં તેજી આવી છે.

સોમવારે આરંભિક કારોબાર દરમિયાન બીએસઈ પર લિસ્ટેડ મોટાભાગની કંપનીઓના શેર ફાયદામાં ચાલી રહ્યા હતા. સોમવારે સવારના કારોબારમાં 3,289 કંપનીના શેરમાં ટે્રડિંગ થયું હતું જેમાંથી 1,936 શેર ફાયદામાં તો 1,205 શેર નુકસાનમાં અને 148 શેર સ્થિર હતા. ગ્રીન ઝોનમાં ટે્રડ કરતા શેરોમાંથી 166 સોમવારે છેલ્લાં એક વર્ષના સર્વોચ્ચ સ્તરને સ્પર્શયા હતા તો 198 શેરમાં અપર સરકિટ લાગુ કરવામાં આવી હતી.

તમામ શેરના ભાવમાં આવેલી શાનદાર તેજીનો ફાયદો એકંદરે ઘરેલુ શેરબજારને થયો હતો. બીએસઈની વૅબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત એમકૅપ સોમવારે સવારે 4,00,88,716.04 કરોડ પર પહોંચી ગઈ હતી. ભારતીય શેરબજારની એમકેપ 400 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ હોવાનું આ પહેલીવાર બન્યું હતું.

ડૉલરમાં ગણતરી કરવામાં આવે તો બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની મીડકેપ હવે 4.81 લાખ ટ્રીલિયન ડૉલર થઈ ગઈ છે. બીએસઈની એમકેપનો આંક પહેલીવાર નવેમ્બર 2023ના અંતમાં ચાર ટ્રીલિયન ડૉલરને પાર કરી ગયો હતો. ચાર મહિનામાં જ આ આંકડો હવે પાંચ ટ્રીલિયન ડૉલરને આંબી જવાની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. બીએસઈ બાદ એનએસઈએ પણ ડિસેમ્બર 2023ના આરંભમાં ચાર ટ્રીલિયન ડૉલરનો આંક પાર કર્યો હતો.

શુદ્ધ સોનાએ પહેલીવાર 71,000ની સપાટી કુદાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવા છતાં આજે વિશ્વ બજારમાં ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધતાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક સટ્ટાકીય લેવાલી નીકળતાં લંડન ખાતે સોનાના હાજર અને વાયદાના ભાવમાં અનુક્રમે 0.4 ટકા અને 0.6 ટકાનો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 2353.79 ડૉલરની સપાટી સુધી પહોંચી ગયા હતા.

આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સપ્તાહના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1392થી 1397નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. 71,000ની સપાટી કુદાવી ગયા હતા અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2400ની તેજી
સાથે રૂ. 81,000ની સપાટી કુદાવી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે. 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 2400 ઉછળીને રૂ. 81,496ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હતી. વધુમાં સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં આગઝરતી તેજી આગળ ધપતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1392 વધીને રૂ. 70,994 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1397 વધીને રૂ. 71,279ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક હતી, પરંતુ જૂના સોનામાં વેચવાલીનું દબાણ અને રિસાઈકલિંગના પ્રમાણમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા જૂનથી વ્યાજદરમાં કપાતની શરૂઆતના આશાવાદે સોનામાં તેજીનું વલણ રહ્યા બાદ હવે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાને કારણે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ તથા કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી નીકળતાં તેજીને વધુ ઈંધણ મળ્યું હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં ફાઈનાન્સિય માર્કેટ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે જો હાલના વાયદાના ભાવ જોતા સોનામાં તેજી માટેના આશાવાદમાં અતિરેક જણાય છે. તેજ પ્રમાણે સિટી ઈન્ડેક્સનાં એનાલિસ્ટ મેટ્ટ સિમ્પસને મોટી માત્રામાં નફારૂપી વેચવાલીની શક્યતા વ્યક્ત કરી હતી.

ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 2353.79 ડૉલરની સપાટીએથી પહોંચીને પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ આગલા બંધ સામે વધુ 0.4 ટકા વધીને આૈંસદીઠ 2338.80 ડૉલર અને વાયદામાં ભાવ 0.6 ટકા વધીને 2358.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.9 ટકા ઉછળીને 27.73 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
દરમિયાન યુબીએસએ ફેડરલ રિઝર્વ વર્ષ 2024ના મધ્યથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા સાથે વર્ષના અંતે વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 2250 ડૉલર આસપાસની સપાટીએ રહે તેવી ધારણા મૂકી હોવાના અહેવાલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button