Russian આર્મીમાંથી ‘આ’ કારણસર અમુક Indiansને છૂટા કરાયા
નવી દિલ્હીઃ ભારતની માંગણીને પગલે રશિયન સેના (Russian Army)માં સહાયક કર્મચારી તરીકે કામ કરી રહેલા કેટલાક ભારતીયોને રજા આપવામાં આવી છે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત રશિયન સત્તાવાળાઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રશિયન સેનામાંથી ભારતીય નાગરિકોને વહેલા છૂટા કરવા માટે તમામ સંબંધિત બાબતોને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે અને આ બાબતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા ભારતીયો રશિયન સેનામાં સુરક્ષા સહાયક તરીકે સેવા આપી રહ્યા છે અને યુક્રેન સાથેની રશિયાની સરહદના કેટલાક વિસ્તારોમાં તેમને રશિયન સૈનિકો સાથે લડવાની ફરજ પડી હતી.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે રશિયન સેના પાસે કામમાંથી છૂટા થવા માટે મદદ માંગતા ભારતીયોના સંદર્ભમાં મીડિયામાં કેટલાક ખોટા અહેવાલો જોયા છે. જેમાં કહેવાયું છે કે મોસ્કોમાં ભારતીય દૂતાવાસના ધ્યાન પર લાવવામાં આવેલા આવા દરેક કેસને રશિયન સત્તાવાળાઓ સાથે મજબૂત રીતે ઉઠાવવામાં આવ્યા છે અને મંત્રાલયના ધ્યાન પર લાવવામાં આવેલા મામલાઓને નવી દિલ્હી સ્થિત રશિયન દૂતાવાસ સમક્ષ ઉઠાવવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે પરિણામે, અનેક ભારતીયોને પહેલેથી જ રાહત મળી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે મંત્રાલય રશિયન સૈન્યમાં સહાયક કર્મચારી તરીકે સેવા આપતા ભારતીયોને ઝડપી મુક્ત કરવાની યોજના બનાવી રહ્યું છે અને મોસ્કોના સંપર્કમાં છે. તેમણે ભારતીયોને યુક્રેનમાં સંઘર્ષ ક્ષેત્રથી દૂર રહેવા વિનંતી કરી હતી.
જયસ્વાલે કહ્યું હતું કે, અમે તમામ ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અને આ સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન(એઆઇએમઆઇએમ)ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ અગાઉ વિદેશ મંત્રાલયને ભારતીયોને બચાવવા માટે વિનંતી કરી હતી.