રેલ નીરની બોટલની તંગીનો મળ્યો ઉકેલ, અંબરનાથના પ્લાન્ટે કરી આ જાહેરાત

મુંબઈ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ટ્રેનના પ્રવાસીઓ પીવાના પાણીની સમસ્યાથી હેરાન ન થાય એ માટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) ‘રેલ નીર’ બ્રાન્ડથી ઓળખાતી પાણીની બોટલનો પુરવઠો સતત થતો રહે એના માટે અંબરનાથના બોટલિંગ પ્લાન્ટમાં તળિયાઝાટક ફેરફાર કરશે. આઈઆરસીટીસી દ્વારા મુસાફરોની સગવડ માટે 2013માં ‘રેલ નીર’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આઇઆરસીટીસીના અંબરનાથ સ્થિત પ્લાન્ટમાં પાણી પર પ્રક્રિયા કરીને શુદ્ધ બનાવી બોટલમાં પેક કરવામાં આવે છે. એક લિટર પાણીની બોટલ 15 રૂપિયાના ભાવે વેચવામાં આવે છે. અંબરનાથ પ્લાન્ટના મશીન દસેક વર્ષ જૂના હોવાથી તાજેતરના સમયમાં ‘રેલ નીર’નો પુરવઠો ખોરવાઈ ગયો હતો. હવે જૂની મશીનરી દૂર કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં આઇઆરસીટીસી દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે.
ઉનાળામાં રોજની જરૂરિયાત 17000 કાર્ટનની હોય છે, પણ હાલના તબક્કે દરરોજ 14500 કાર્ટન મોકલી શકાય છે. પ્લાન્ટમાં દરરોજ એક લીટરની બે લાખ બોટલ પાણી ભરી તૈયાર કરવામાં આવે છે.