સૈનિકે 28 વર્ષ પહેલા શહીદી આપી હતી, પરંતુ શહીદીનો દરજ્જો છેક હવે મળ્યો…
ઝુંઝુનુ: ઘણીવાર એવું બનતું હોય છે કે સેનામાં જવાન શહીદ થાય છે પરંતુ કેટલાક કારણોસર તેમને શહીદનો દરજ્જો મળતો નથી. અને પછી શહીદ થયેલા જવાનની શહીદી છે કે નહિ તેની તપાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ખેત્રી સબડિવિઝનના નૌરંગપુરા ગ્રામ પંચાયતમાં બની હતી. અહીના રહેવાસી ગુરદિયાલ સિંહ બગડિયાને શહીદ થયાના 28 વર્ષ બાદ વિધિવત રીતે શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ પ્રસંગે મહેમાનોએ શહીદના પત્ની કમલા દેવીનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. લગભગ ત્રણ દાયકા પછી તેમના પતિને શહીદનો દરજ્જો મળ્યો ત્યારે તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યો ભાવુક થઈ ગયા. સમારોહમાં હાજર લોકોએ ભારત માતા કી જય અને શહીદ ગુરદિયાલ સિંહ બગડિયા અમર રહેના નારા પણ લગાવ્યા હતા.
સમોરોહમાં આવેલા BSFના ડેપ્યુટી કમાન્ડન્ટ અજય કુમારે જણાવ્યું હતું કે શહીદ ગુરદિયાલ સિંહ બગડિયાની યુનિટ જમ્મુ-કાશ્મીરના બટમાલૂમાં પોસ્ટિંગ હતી. 13 ઓક્ટોબર 1996ના રોજ આતંકવાદીઓ સાથેની અથડામણમાં તેમને ગોળી વાગતા તે ઘાયલ થયા હતા. ઘાયલ હોવા છતાં તેણે બહાદુરીનું પ્રદર્શન કર્યું અને આતંકવાદીઓ સામે લડતા લડતા શહીદી વહોરી હતી. BSF હેડ ક્વાર્ટર દિલ્હીએ આજે તેમને શહીદનો દરજ્જો આપીને બેટલ ઓપરેશન કેઝ્યુઅલ્ટી સર્ટિફિકેટ એનાયત કર્યું છે. ડેપ્યુટી કમાન્ડન્ટે કહ્યું હતું કે હું તેમની શહાદતને સલામ કરું છું.
સમારંભના મુખ્ય અતિથિ નીમકથાના અધિક પોલીસ અધિક્ષક શાલિની રાજે કહ્યું હતું કે આ બહાદુરોની ભૂમિ છે. અહીંના પુત્રો માતૃભૂમિની રક્ષા માટે બલિદાન આપવા માટે હંમેશા તૈયાર રહે છે. તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તમને ગામે ગામે શહીદની પ્રતિમાઓ જેવા મળશે અને તે બતાવે છે કે આપણી ભૂમિ શૂરવીરોની ભૂમિ છે. આજે મને ગર્વ છે કે શહીદીના 28 વર્ષ બાદ આખરે ગુરદિયાલ સિંહ બગડિયાને શહીદનો દરજ્જો મળ્યો છે. જવાનની બહાદુરીની વાતો સાંભળીને ગ્રામજનો પણ ભાવુક થઈ ગયા હતા. જો કે એ જાણવા મળ્યું નહોતું કે શહીદીનો દરજ્જો આપવામાં આટલો સમય કેમ લાગી ગયો.