તો શું કોરોનાની જેમ નિપાહ વાઇરસ પણ ફેલ થશે?
નવી દિલ્હીઃ કોરાનાએ એટલા હેરાન કર્યા કે લોકો સાવ કંટાળી ગયા હતો ત્યારે નિપાહ વાઇરસે કેરળને ફરી કોરોનાની યાદ દેવડાવી દીધી છે. ત્યારે સ્વાભાવિક એવો પ્રશ્ર્ન થાય કે જેમ કોરોનાને આપણે ભેગા મળીને હરાવ્યો તેમ નિપાહ વાઇરસને પણ ફેલ કરી શકીશું? જો કે કેરળમાં નિપાહ વાઇરસના કહેરને કારણે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રાજ્યમાં નિપાહ વાઇરસના 5 કેસ નોંધાયા છે. સંક્રમણના વધતા ડરને ધ્યાનમાં રાખીને કન્ટેઈનમેન્ટ ઝોનની સાથે સાથે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. આ સમગ્ર મામલાને લઈને આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે આ એક ઝૂનોટિક પ્રકારનો રોગ છે. તે ચામાચીડિયા દ્વારા ફેલાય છે. પહેલીવાર તે મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારત અને બાંગ્લાદેશમાં તેના કેસ સામે આવ્યા છે. આઇસીએમઆરએ નિપાહ વાઇરસના ચેપમાં મૃત્યુ દર અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ડો. બહલે કહ્યું હતું કે નિપાહ સંક્રમણમાં મૃત્યુ દર કોરોના સંક્રમણ કરતા ઘણો વધારે છે. કોરોનાને કારણે માત્ર 2 થી 3 ટકા લોકોના મોત થયા છે. ત્યારે નિપાહ વાઇરસના ચેપમાં મૃત્યુ દર 40 ટકાથી 70 ટકાની વચ્ચે છે. નિપાહ વાઇરસના ખતરા અંગેના ડૉ. રાજીવ બહલે કહ્યું હતું કે જો આ વાઇરસ માણસોને ચેપ લગાડે તો તેના માટે ખૂબ જ ગંભીર છે. જો કે એની સારી બાબત એ પણ છે કે તે ઝડપથી ફલાતો નથી. અત્યાર સુધી તેના મહત્તમ કેસ માત્ર 100 સુધી પહોંચ્યા છે. જો કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં તેના કેસ ઘણા ઓછા છે.
ICMR ડીજીએ કહ્યું હતું કે પાંચ કેસની સંખ્યા પણ અમારા માટે ઘણી વધારે છે. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકાર અને અન્ય સંબંધિત સંસ્થાઓ નિપાહ સંક્રમણને અટકાવવા માટે કામ કરી રહી છે. અને કોઇ પણ સંજોગોમાં તેને અટકાવવું પડશે. નિપાહ વાઇરસના પ્રકારો અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું કે હાલમાં તેની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે.
ડૉ. રાજીવ બહલે નિપાહ વાઇરસના પ્રસારને અટકાવવા અને ફેલાવવા સામે સાવચેતીનાં કેવી રીતે લેવી તે જણાવતા કહ્યું હતું કે કેટલાક તો કોવિડ સામે લેવામાં આવેલા પગલાં જેવા જ છે. વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવો તેમજ સૌથી મહત્વની બાબત એ છે કે દર્દી સાથે સંપર્કમાં ના આવવું. આ ઉપરાંત ખાસ બાબત એ છે કે દર્દીના શરીરના લોહીના કે મળ-મૂત્રના સંપર્કમાં ન આવવું શક્ય તેટલું તેનાથી દૂર રહેવું.
જો કે નિપાહ વાઇરસથી સંક્રમિત લોકોની સારવાર માટે જરૂરી ‘મોનોક્લોનલ એન્ટિબોડી’ રાજ્યમાં પહોંચી ગઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે બેઠક યોજાઈ હતી. હવે ‘મોનોક્લોનલ એન્ટિબોડીઝ’ આવી ગયા છે. નિપાહ વાઇરસના ચેપ માટે આ એકમાત્ર ઉપલબ્ધ ‘એન્ટિવાયરલ’ સારવાર છે. આ અંગે કેન્દ્રીય નિષ્ણાત સમિતિ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. સરકારે ખાસ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં રહેતા લોકોએ અત્યંત સાવધાની રાખવી પડશે. કારણ કે નિપાહ વાઇરસનો તાજેતરનો કેસ જંગલ વિસ્તારના પાંચ કિલોમીટરની અંદરના વિસ્તારમાંથી સામે આવ્યો છે.
કોઝિકોડ જિલ્લાના 11 વોર્ડને બુધવારે સાંજ સુધી કન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.નિપાહ વાઇરસ ફક્ત માણસથી માણસમાં ફેલાય છે તેવું નથી તે પ્રાણી દ્વારા પણ માણસમાં ફેલાય છે. તેનો મૃત્યુદર ઊંચો છે, જોકે વાઇરસ ઓછો ચેપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ICMR દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર કોઝિકોડમાં જ નહીં પરંતુ સમગ્ર કેરળ રાજ્યમાં આ પ્રકારનો ચેપ ફેલાવાનો ભય છે.