નેશનલ

તો શું રાજસ્થાનમાં કૉંગ્રેસ બનાવશે સીએમ?

જયપુરઃ રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન પદ માટે મંથન ચાલુ છે. મુખ્ય પ્રધાનનો તાજ કોના શિરે સજાવવામાં આવશે એ તો સમય જ કહેશે. ભાજપના અનેક ઉમેદવારો મુખ્ય પ્રધાન પદની રેસમાં છે. જોકે, આ બધી હલચલ વચ્ચે ભાજપના નેતા કિરોડીલાલ મીણાને મુખ્ય પ્રધાન બનાવવાની માગ ઉઠી છે.

રાજસ્થાનના મુખ્ય પ્રધાનનો તાજ કિરોડીલાલ મીણાને માથે સજાવવામાં આવે એવી માગ ભાજપના નહી, પણ કૉંગ્રેસના ઉમેદવારે કરી છે. કૉંગ્રેસના વિધાન સભ્ય રામકેશ મીણાએ કિરોડીલાલ મીણાને મુખ્ય પ્રધાન બનાવવાની માગ કરી છે. એટલુ જ નહીં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને જે. પી. નડ્ડાને પત્ર લખ્યો છે અને કિરોડીલાલ મીણાને મુખ્ય પ્રધાન બનાવવાની માગ કરી છે. આ પત્ર લખ્યા બાદ ગંગાપુર સીટના કોંગ્રેસના વિધાન સભ્ય રામકેશ મીણાએ જણાવ્યું હતું કે, મેં નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાને પત્ર લખીને સમુદાયની લાગણીઓ પહોંચાડી છે કે કિરોડી મીણાને સીએમ પદ મળવું જોઈએ.

આદિવાસી મીણા સેવા સંઘના વડા રામકેશ મીણાએ વડા પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કિરોડીલાલ મીણાએ ઘણો રાજકીય સંઘર્ષ કર્યો છે. રાજસ્થાનમાં થયેલા અનેક આંદોલનનું નેતૃત્વ તેમણે કર્યું છે. તેમણે રાજસ્થાનના ઉત્કર્ષ માટે ઘણું કામ કર્યું છે.

નોંધનીય છે કે કિરોડી લાલ મીણા આદિવાસી નેતા છે. કિરોડી લાલ મીણા સવાઈ માધોપુરથી ભાજપના ધારાસભ્ય છે.
રાજસ્થાનમાં વિધાન સભાની રાજ્યની 200માંથી 199 બેઠકો પર 25 નવેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. ગયા રવિવારે જાહેર થયેલા વિધાન સભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપને 115 બેઠકોનો જનાદેશ મળ્યો હતો, પરંતુ હજુ સુધી સીએમ ચહેરા અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. પક્ષે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સહિત ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button