તો શું ગોલ્ડી બરાર અને હર્ષ દલ્લાને કેનેડા ભારત મોકલશે?
નવી દિલ્હી: શું ટ્રુડો સરકાર આતંકવાદી પ્રવૃત્તિઓ, ખંડણી અને કોન્ટ્રાક્ટ કિલિંગમાં સામેલ ગેંગસ્ટરો ગોલ્ડી બરાર, અર્શ દલ્લા અને અન્યના પ્રત્યાર્પણમાં ભારતને મદદ કરશે તે અંગે પૂછવામાં આવતા ધાલીવાલે કહ્યું કે ભારત સરકાર તેમના આતંકવાદી હોવાના પુરાવા આપશે તો અમે ચોક્કસ મદદ કરીશું. ધાલીવાલે એમ પણ કહ્યું હતું કે કેનેડાના સાંસદ તરીકે તેઓ અન્ય કોઈ દેશની સાર્વભૌમત્વ પર હુમલાનું સમર્થન કરતા નથી પરંતુ તેઓ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં દખલ નહીં કરે. ખાલિસ્તાનને સમર્થન આપે છે કે તેની વિરુદ્ધ છે. તેવું વારંવાર પૂછવા છતાં ધાલીવાલે સ્પષ્ટ સ્ટેન્ડ આપવાનો ઇનકાર કર્યો હતો.
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારતને તમામ મદદ કરવાની ખાતરી આપ્યા બાદ લિબરલ પાર્ટીના સાંસદ અને જસ્ટિન ટ્રુડોના નજીકના સાથી સુખમિંદર ઉર્ફે સુખ સિંહ ધાલીવાલે જણાવ્યું હતું કે તેમની સરકાર કોઈપણ પ્રકારના હુમલાને સહન કરશે નહીં. 18 જૂનના રોજ સરેના ધાલીવાલ સંસદીય મતવિસ્તારમાં ગુરુદ્વારાની બહાર દિવસના અજવાળામાં ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યામાં વિદેશી એજન્ટની સંડોવણીનો દાવો કર્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજકીય વિવાદો વધ્યા હતા.
ત્યાર બાદ બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા અને ભારતે કેટલાક વિઝા નિયંત્રણો લગવ્યા હતા. ધાલીવાલે જણાવ્યું હતું કે ટ્રુડો પાસે વિશ્વસનીય માહિતી અને પુરાવા છે. તેમણે ગયા મહિને નવી દિલ્હીમાં G-20 સમિટમાંથી પરત ફર્યા બાદ નિજ્જરની હત્યા વિશે તેમની સંસદમાં આ બાબત જણાવી હતી.
ધાલીવાલે કહ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓ પાસે કેટલાક પુરાવા છે જેના કારણે ટ્રુડોને આ નિવેદન આપવું પડ્યું હતું. હું ચોક્કસપણે કહી શકું છું કે જ્યારે વડા પ્રધાન ટ્રુડો કોઈપણ નિવેદન આપે છે, ત્યારે તેઓ ખૂબ જ વિશ્વાસનીય હોય છે. તે કોઈ પણ પ્રકારના પુરાવા વગર કઈ બોલતા નથી. જો કે કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ કેસમાં કેનેડિયન પોલીસ તરફથી કોઈ એફઆઈઆર અથવા શંકાસ્પદ લોકોની સૂચિ છે કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું કે આ બધી બાબતોના જવાબ સમય જ આપશે.
તેમજ કેનેડાની સરકારે કહ્યું હતું કે એક સમયે તેમની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. નોંધનીય છે કે 2020માં ભારત દ્વારા કેનેડાની સરકારને નિજ્જર વિશે ચેતવણી આપી હતી કે તે એક આતંકવાદી છે. જો કે કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) સાથે નિજ્જરની નિકટતાનો ખુલાસો કરવામાં પણ ધાલીવાલ અસમર્થ હતા. નિજ્જરના પુત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કેનેડિયન સત્તાવાળાઓ સક્રિયપણે ‘વોન્ટેડ’ વ્યક્તિનું રક્ષણ કરી રહ્યા છે. એવા પણ આરોપો છે કે કેનેડાની સરકાર નિજ્જરને રક્ષણ આપી રહી હતી અને તેને તેની કામગીરી ચલાવવાની મંજૂરી પણ આપી રહી હતી. જેમાં નેટવર્કિંગ, તાલીમ, ભંડોળ અને તેના ખાલિસ્તાન ટેરર ફોર્સ (KTF) આતંકવાદી મોડ્યુલને ચલાવવાનો સમાવેશ થાય છે.
ધાલીવાલે કહ્યું હતું કે તે હમેશાં કેનેડાને બચાવવાનો પ્રયાસ કરશે નિજ્જરને નહીં.