તો શું હવે નવજોત સિંહ સિદ્ધુ પણ કરશે ઘર વાપસી!
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસને એક વધુ ઝટકો લાગવા જઇ રહ્યો છે, કારણ કે નવજોત સિંહ સિદ્ધુ પાર્ટી છોડી દે તેવી શક્યતા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર નવજોત સિંહ સિદ્ધુ દેશની સૌથી જૂની પાર્ટી કૉંગ્રેસ છોડીને ફરી એકવાર ભાજપમાં સામેલ થઇ શકે છે. સિદ્ધુ કૉંગ્રેસના ત્રણ ધારાસભ્ય સાથે 22 ફેબ્રુઆરી પછી ભાજપમાં જોડાઇ શકે છે. સિદ્ધુ પાર્ટી હાઇ કમાન્ડથી નારાજ હોવાનું કહેવાય છે, કારણ કે તેમને પંજાબ યુનિટમાં કોઇ ખાસ જવાબદારી સોંપવામાં આવી નથી.
હાલમાં દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે કૉંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલ નાથ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. જોકે, પિતા-પુત્રએ હજી સુધી કૉંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું નથી. આજકાલ કૉંગ્રેસમાં જે ચાલી રહ્યું છે, તેનાથી કમલનાથ નાખુશ હોવાનું કહેવાય છે અને તેમને લાગે છે કે આ એ સંગઠન નથી જેમાં તેઓ ચાર દાયકા પહેલા જોડાયા હતા.
સિદ્ધુની વાત કરીએ તો તેમણે 2017ની પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાંથી કૉંગ્રેસમાં શિફ્ટ કર્યું હતું,. તે સમયે તેમણે જણાવ્યું હતું કે તેઓ જન્મજાત કૉંગ્રેસમેન છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા સિદ્ધુએ કહ્યું હતું કે તેઓ હાઇ કમાન્ડ દ્વારા નિયુક્ત કોઇ પણ વ્યક્તિના હાથ નીચે કામ કરવા અને પાર્ટી જ્યાંથી ઇચ્છે ત્યાંથી ચૂંટણી લડવા તૈયાર છે.
સિદ્ધુએ 1981-82માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 2004માં સિદ્ઘુએ ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડીને રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેઓ જ્યારે ભાજપમાં હતા ત્યારે શિરોમણી અકાલી દળ ભાજપની સાથે હગોવા છતાં સિદ્ધુના બાદલ સાથે તંગ સંબંધો હતા. બાદમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે જ્યારે અરૂણ જેટલીને અમૃતસરથી મેદાનમાં ઉતાર્યા ત્યારથી ભાજપ સાથે પણ તેમના સંબંધો ઠંડા પડી ગયા હતા. જોકે, બાદમાં તેમને રાજ્યસભામાં સ્થાન આપવામાં આવ્યું હતું, પણ કૉંગ્રેસમાં જોડાવા માટે તેમણે ભાજપને છોડી દીધી હતી.