તો સીએમ સોરેનના પત્ની ઝારખંડની પ્રથમ મહિલા સીએમ કેવી રીતે બનશે?

રાંચીઃ નવું વર્ષ ઝારખંડની રાજનીતિમાં નવી હલચલ લઇને આવ્યું છે. રાજ્યમાં સ્તારૂઢ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના વિધાન સભ્ય ડૉ. સરફરાઝ અહેમદે રાજીનામુ આપી દીધું છે અને સ્પીકરે તેમનું રાજીનામુ સ્વીકારી લીધું છે. આ રાજીનામુ અચાનક નથી આપવામાં આવ્યું, પણ એક વ્યૂહરચના તરીકે જેએમએમએ તેમને રાજીનામું લીધુ છે.
ડૉ. સરફરાઝ અહેમદના રાજીનામાના તાર સીએમ હેમંત સોરેન સાથે જોડાયેલા છે. ઇડીએ સીએમ સોરેનને સાતમી અને અંતિમ નોટિસ આપી હતી, પણ સોરેન લડી લેવાના મૂડમાં છે. તેઓ એક પણ વાર ઇડી સમક્ષ હાજર નથી થયા. ધરપકડથી બચવા માટે સોરેને હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ડૉ. સરફરાઝ અહેમદના રાજીનામા ઝારખંડમાં રાજકીય હલચલ વધતી જોવા મળી રહી છે. સોરેનનું કહેવું છે કે તેમની સામે રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે. જેએમએમએ રણનીતિ બનાવી છે કે હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેન ખાલી પડેલી સીટ પરથી ચૂંટણી લડશે.
જો કલ્પના વિધાનસભાના સભ્ય બન્યા વિના મુખ્ય પ્રધાન બનશે, તો તેમણે છ મહિનામાં વિધાનસભાની ચૂંટણી લડવાની અને જીતવાની ફરજ પડશે. રાજકીય બાબતોના જાણકારોનું કહેવું છે કે આ વ્યૂહરચના હેઠળ પાર્ટીએ સરફરાઝ અહેમદને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા છે. તેમનું રાજીનામું 31 ડિસેમ્બર, 2023 થી સ્વીકારવામાં આવ્યું છે.
સોરેને પોતાનો દાવ ચાલી લીધો છે. હવે ભાજપનો વારો છે. ગોડ્ડાના બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ એક્સ પર પોસ્ટ લખીને રાજ્યપાલને કાયદાકીય સલાહ લેવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું છે કે ઝારખંડ વિધાનસભાની રચના 27 ડિસેમ્બર 2019ના રોજ કરવામાં આવી હતી. સરફરાઝ અહેમદે 31 ડિસેમ્બર, 2023ના રોજ રાજીનામું આપ્યું હતું. ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આડે માંડ એક વર્ષનો સમય બાકી છે. આવા સમયે વિધાનસભાની પેટાચૂંટણી થઇ શકે નહીં એવો કાનૂન છે. નિશિકાંત દુબેએ મુંબઈ હાઈકોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે. મુંબઈ હાઈકોર્ટના કાટોલ વિધાનસભાના નિર્ણય મુજબ હવે ગાંડેમાં ચૂંટણી થઈ શકે નહીં. જ્યારે મહારાષ્ટ્રમાં કાટોલ વિધાનસભા બેઠક ખાલી પડી ત્યારે વિધાનસભાનો કાર્યકાળ 1 વર્ષ 50 દિવસ માટે બાકી હતો, પણ કોર્ટે પેટાચૂંટણી કરાવવાની ના પાડી હતી. આવા સંજોગોમાં કલ્પના સોરેન ક્યાંયથી વિધાન સભ્ય ન બની શકે તો મુખ્ય પ્રધાન કેવી રીતે બનશે? એવો સવાલ તેમણે કર્યો છે.
JMMએ સરફરાઝ અહેમદને રાજ્યસભામાં મોકલવાના વચન સાથે રાજીનામું આપવાની ફરજ પાડી છે. જો કે, સરફરાઝે પોતે કહ્યું છે કે તેઓ અંગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે. ઝારખંડનું રાજકારણ કેવું વળાંક લેશે તે આ મહિને સ્પષ્ટ થઈ જશે.