…તો બેન્ક ઓફ ઈન્ડિયાનું ડેબિટ કાર્ડ 31મી ઓક્ટોબર પછી નહીં વાપરી શકાય!
મુંબઈઃ રોજબરોના જીવનમાં ડેબિટ કાર્ડનો ઉપયોગ આપણા માટે ખૂબ જ સામાન્ય થઈ ગયો છે અને આજકાલ મોટાભાગના વ્યવહારો સરળતાથી ઓનલાઈન જ થઈ જાય છે. પરંતુ તેમ છતાં આજે પણ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ ડેબિટ કાર્ડને લઈને જ મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે.
જો તમારું ખાતું બેન્ક ઓફ ઈન્ડિયામાં છે તો 31મી ઓક્ટોબર પછી તમે આ ડેબિટ કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. બેન્ક દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી છે. એટલે જો તમે ઈચ્છતા હોવ કે તમારું ડેબિટ કાર્ડ કામ કરવાનું બંધ ના કરવામાં આવે તો તરત જ આ કામ નિપટાવી લો.
જોકે, બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પહેલાંથી જ આ બાબતની જાણ કરી દેવામાં આવી હતી કે 31મી ઓક્ટોબર પછી જે એકાઉન્ટ હોલ્ડરોએ પોતાના ખાતા સાથે મોબાઈલ નંબર લિંક નહીં કર્યો હોય એ લોકો ડેબિટ કાર્ડની સુવિધાઓનો લાભ નહીં ઉઠાવી શકે. એટલું જ નહીં પણ બેંક દ્વારા તેમના ગ્રાહકોને વિનંતી પણ કરવામાં આવી છે કે 31મી ઓક્ટોબર સુધી ખાતાધારકો તેમની શાખાની મુલાકાત લઈને તેમનો મોબાઈલ નંબર અપડેટ કરી લે.
જો તમે પણ હજી સુધી બેન્ક એકાઉન્ટ સાથે તમારો મોબાઈલ નંબર લિંક નથી કર્યો તો તરત જ નજીકની બ્રાન્ચમાં જઈને કોઈ પણ વિલંબ કર્યા વિના લિંક કરાવી લો. જો તમે આવું કરવામાં નિષ્ફળ રહેશો તો 31મી ઓક્ટોબર પછી એકાઉન્ટ હોલ્ડર તેમના ખાતામાંથી પૈસા તો નહીં જ ઉપાડી શકે, પણ એની સાથે સાથે કોઈ બીજા ટ્રાન્ઝેક્શન પણ નહીં કરી શકે.
એન્કાઉન્ટ હોલ્ડર બેન્કમાં ગયા વિના પણ ઑનલાઇન પણ એકાઉન્ટમાં મોબાઇલ નંબર લિંક કરી શકે છે કે પછી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી શકાય છે. ઓફલાઈન નંબર બદલવા માટે તમારે બેંક શાખામાં જઈને એક ફોર્મ ભરવું પડશે. ફોર્મ ભરવાની સાથે તમારે આધાર કાર્ડ અને પાસબુકની ફોટોકોપી પણ સબમિટ કરવી પડશે.