હિમવર્ષા બની મુશ્કેલી; કાશ્મીરમાં પ્રવાસીઓએ મસ્જિદોમાં લીધો આશરો, કુલ્લૂમાં અનેક વાહનો ફસાયા…

શ્રીનગર: જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. મોટી સંખ્યામાં પર્યટકો કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાનો આનંદ માણવા પહોંચ્યા છે. પરંતુ આ હિમવર્ષા હવે પ્રવાસીઓ માટે આફત બની ગઈ છે. હિમવર્ષાના કારણે અનેક પ્રવાસીઓ પણ અટવાયા છે. કુલ્લુ જિલ્લામાં શુક્રવારે ભારે હિમવર્ષા વચ્ચે સોલંગ વેલીમાં ફસાયેલા લગભગ 5,000 પ્રવાસીઓને પોલીસે સુરક્ષિત રીતે બચાવ્યા હતા.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા ભૂકંપના આંચકા, કડકડતી ઠંડીમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
કુલ્લુમાં ફસાયા 5000 પ્રવાસીઓ
કુલ્લુ પોલીસે ટ્વિટર પર એક પોસ્ટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, “આજે 27.12.2024ના રોજ તાજેતરની હિમવર્ષાને કારણે સોલાંગ ખીણમાં લગભગ 1000 પ્રવાસીઓ અને અન્ય વાહનો ફસાઈ ગયા હતા. આ વાહનોમાં 5000 જેટલા પ્રવાસીઓ હતા. કુલ્લુ પોલીસે વાહનો અને પ્રવાસીઓને બચાવીને સલામત સ્થળે ખસેડાયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.”
સ્થાનિકોએ પ્રવાસીઓ માટે ઘર, મસ્જિદનાં દરવાજા ખોલ્યા
જમ્મુ કાશ્મીરના સોનબર્ગથી અનંતનાગ અને બારામુલ સુધી હિમવર્ષાના કારણે સ્થિતિ ગંભીર છે. ધીમે ધીમે સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે ત્યારે કાશ્મીરમાં હિમવર્ષાનો આનંદ હવે પ્રવાસીઓ માટે સજા બની ગયો છે. કાશ્મીરમાં દિવસભર હિમવર્ષાના કારણે મોટી સંખ્યામાં વાહનો અટવાઈ પડ્યા હતા. આવી સ્થિતિમાં દરેક જગ્યાએ પ્રવાસીઓ અટવાયા છે. વધી રહેલી મુશ્કેલીઓ વચ્ચે સ્થાનિક કાશ્મીરીઓ તેમની મદદ માટે આગળ આવ્યા છે. જ્યારે પ્રવાસીઓ હિમવર્ષામાં ફસાયા હતા, ત્યારે કાશ્મીરીઓએ તેમના ઘરો અને મસ્જિદોના દરવાજા ખોલી દીધા હતા.
આ પણ વાંચો : ઇમ્ફાલ પૂર્વના બે ગામમાં બંદૂક અને બોમ્બ હુમલોઃ આર્મીએ કરી જવાબી કાર્યવાહી
કાશ્મીરમાં સફેદ ચાદર ઢંકાઈ
જમ્મુ-કાશ્મીરના મોટાભાગના મેદાની અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઘણા વિસ્તારો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આગામી 5 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું એલર્ટ નથી પણ હિમવર્ષા યથાવત રહેશે. શનિવારે ગુલમર્ગનું લઘુત્તમ તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત પ્રખ્યાત ડલ સરોવર સહિત અનેક ધોધ અને તળાવ પણ થીજી ગયા છે.