અમેરિકામાં બરફનું તોફાન: અનેકનાં મોત
પૉર્ટલૅન્ડ: અમેરિકામાં આવેલા બરફના તોફાનને કારણે અનેકનાં મોત થયા હોવાનાં અહેવાલ છે. તોફાનને કારણે ઑરેગોનના પૉર્ટલૅન્ડમાં બુધવારે એક કાર પર વીજળીના તાર પડતાં ત્રણ જણનાં મોત થયાં હતાં. મૃતકમાં બે પુખ્તવયની વ્યક્તિ અને એક કિશોરનો સમાવેશ થતો હતો.
ગયા અઠવાડિયે તોફાનને કારણે ઓછામાં ઓછાં સાત જણનાં મોત થયાં હતાં. આ સાથે જ કુલ મરણાંક ૧૦ કરતા વધી ગયો હતો. વીજળીના તાર પડવાને કારણે અમુક લોકોનાં મોત થયા હોવાની જાણ કરતા ફોન બપોરથી જ આવવા માંડ્યા હોવાનું અગ્નિશમન દળ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
ઝાડની ડાળ તૂટીને વીજળીની લાઈન પર પડતાં તાર નીચે ઊભેલી એક એસયુવી કાર પર પડયા હતા. ઘટનાને પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધીમાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. જોકે એક નાના બાળકને બચાવી લેવામાં આવ્યું હતું.
ઘટનાને પગલે વીજકંપનીએ એ વિસ્તારનો વીજપુરવઠો બંધ કરી નાખ્યો હતો.
પૉર્ટલૅન્ડમાં રસ્તા પર બરફના થર જામી ગયા હોવાને કારણે લોકો માટે ચાલવાનું લગભગ અશક્ય બની ગયું હતું.
ઑરેગોનાના મોટાભાગના વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઈ જતાં ૯૦,૦૦૦ કરતા પણ વધુ ઘરને તેની અસર થઈ હતી. શિકાગોમાં તાપમાન માઈનસ ૧૫, ડૅટ્રોઈટમાં માઈનસ ૧૪.૪, અલાસ્કામાં માઈનસ ૭.૮ સેલ્સિયસ થઈ ગયું હતું. પૅન્સિલ્વેનિયામાં એક ટ્રેક્ટર-ટ્રેલરે અડફેટે લેતાં પાંચ જણનાં મોત થયા હતા. (એજન્સી)