જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરથી મુંબઈ જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં અચાનક એક સાપ મુસાફરોની(Snake In Train) વચ્ચે જોવા મળ્યો હતો. જેને જોઈને લોકોમાં ભય ફેલાયો હતો. ટ્રેનના કોચમાં 5 ફૂટ લાંબો સાપ ઘૂસી ગયો હતો. આ અંગેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનના બર્થ પર એક મોટો કોબ્રા સાપ જોવા મળી રહ્યો છે. જેને જોઈને આખા ડબ્બામાં નાસભાગ મચી હતી. લોકો પોતપોતાની સીટ છોડીને દોડવા લાગ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર એક મુસાફરે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જે હવે વાયરલ થઈ રહ્યો છે.
આ કોચને ટ્રેનથી અલગ કરી દીધો
મળતી માહિતી મુજબ ટ્રેન કસારા રેલવે સ્ટેશન પર હતી ત્યારે મુસાફરોની નજર સાપ પર પડી હતી. કોચ નંબર G17માં સીટની નીચે 5 ફૂટ લાંબો સાપ છુપાયેલો હતો. જે અચાનક બાજુની બર્થમાંથી બહાર આવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. સાપ વિશે તરત જ ટ્રેન સ્ટાફને માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેન સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ભારતીય રેલવેએ આ ઘટનાની નોંધ લીધી અને આ કોચને ટ્રેનથી અલગ કરી દીધો.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સ વિવિધ કોમેન્ટ્સ કરીને મજા લેતા જોવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું કે, “સાપ પણ નાગપુર જવા માંગતો હશે. અન્ય યુઝરે લખ્યું, “તેની ટિકિટ ક્યાં છે?ત્રીજા યુઝરે લખ્યું કે, હવે આ કોનું ષડયંત્ર છે?