UPમાં એક મહિનામાં એક જ સાપ છ વખત ડંખ્યો યુવકને, સપનામાં આવી કહ્યું કે હજી તો…

દેશના ઉત્તર પ્રદેશમાં યુવક સાથે એક ચોંકાવનારી ઘટના બની છે અને એના વિશે જાણીને કદાચ તમને પણ આ ઘટના પર વિશ્વાસ નહીં થાય. આ ઘટના વિશે જેણે પણ જાણ્યું તે આ ઘટનાને સમજી નથી શક્યો. અહીં છેલ્લાં એક મહિનાથી એક સાપ એક યુવકની પાછળ પડી ગયો છે અને અત્યાર સુધીમાં છ વખત ડંખી ચૂક્યો છે અને હજી ત્રણ વખત ડસવાની ધમકી પણ આપી છે… હવે તમને થશે કે ભાઈ સાપ કઈ રીતે ધમકી આપી શકે? ચાલો તમને આખી ઘટના વિશે વિસ્તારથી જણાવીએ…
ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં રહેતા વિકાસ દુબેની પાછળ સાપ હાથ ધોઈને પાછળ પડી ગયો છે. જેવું બોલીવૂડ ફિલ્મોમાં થાય છે એવું જ વિકાસ સાથે થયું છે. છેલ્લાં દોઢ વર્ષમાં એક જ સાપ વિકાસને છથી વધુ વખત ડસી ચૂક્યો છે. સાપના ડસવાને કારણે વિકાસના પરિવારના લોકો તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેની સારવાર કરી હતી. શરૂઆતમાં જ્યારે વિકાસને ત્રણ વખત સાપ ડંખ્યો ત્યારે ડોક્ટરે તેને ઘરથી દૂર જવાની સલાહ આપી હતી. જેને કારણે વિકાસ પોતાની માસીના ઘરે જતો રહ્યો હતો, પરંતુ સાપ વિકાસની પાછળ પડી ગયો અને ત્યાં પણ પહોંચી ગયો. વિકાસે જણાવ્યું હતું કે સાપ શનિવારે કે રવિવારે જ તેના પર હુમલો કરે છે.
એક જ સાપ વારંવાર વિકાસને ડંખી રહ્યો છે, એ વાત તો સમજી શકાય એવી છે, પણ આ પછી વિકાસે જે ખુલાસો કર્યો છે એ ખૂબ જ ચોંકાવનારો છે. વિકાસે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સાપે તેના સપનામાં આવીને ધમકી આપી છે કે અત્યાર સુધી છ વખત ડસી લીધું છે, અને હજી ત્રણ વખત હું તને ડસવાનો છે. આઠમી વખત સુધી તો તું બચી જશે, પણ નવમી વખત તને કોઈ નહીં બચાવી શકે. તને કોઈ ડોક્ટર પણ નહીં બચાવી શકે. વિકાસની આ વાત સાંભળીને તેના પરિવારના લોકો પણ ચોંકી ઉઠ્યા છે.