અમેરિકામાં અકસ્માતમાં છ ભારતીયનાં મૃત્યુ
હ્યૂસ્ટન: અમેરિકાના ટૅક્સાસ શહેરમાં ભારતીય પરિવારના સભ્યોની મિની વૅન અને પિકઅપ ટ્રક વચ્ચે થયેલાં અકસ્માતમાં બે બાળક સહિત એક જ પરિવારના છ સભ્યનાં મોત થયાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. ટૅક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક સેફ્ટી (ડીપીએસ)ના જણાવ્યા અનુસાર ફૉર્ટવર્થ નજીક જ્હૉન્સન કાઉન્ટી પાસે મંગળવારે સાંજે આ અકસ્માત થયો હતો. આંધ્ર પ્રદેશના અમાલાપુરમ નગરના એક જ પરિવારના સાત સભ્ય મિની વૅનમાં
હતા. મિની વૅનમાં પ્રવાસ કરી રહેલાં સાત ભારતીયમાંથી એક 43 વર્ષના લોકેશ પોટાબાથુલા જ બચી ગયા હતા. જોકે તેમની હાલત પણ ગંભીર હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
મૃતકોને પોટાબાથુલાના પત્ની, નવિના પોટાબાથુલા (36), દંપતીની નવ વર્ષની પુત્રી નિશિધા, 10 વર્ષના પુત્ર ક્રિતિક, નવિનાની 60 વર્ષની માતા સીતામહાલક્ષ્મી અને 64 વર્ષના પિતા નાગેશ્વર રાવ અને ડ્રાઈવર રશિલ (28) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા.
અકસ્માતના સમયે આ લોકોએ સીટ બૅલ્ટ ન પહેર્યા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.
આ લોકો ભારતથી અમેરિકા પુત્રી નવિના અને પૌત્રો કાર્તિક અને નિશિધાને મળવા ગયા હતા, એમ હ્યૂસ્ટનસ્થિત ભારતીય ક્નસ્યુલેટ જનરલ (સીજી)એ કહ્યું હતું.
ભારતીય એલચી કચેરીના જણાવ્યા અનુસાર આ દંપતી એલ-વન વિઝા પર ટીસીએસમાં કામ કરતું હતું.
મૃત્યુનું પ્રમાણપત્ર આપ્યા બાદ આ લોકોના મૃતદેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
ઘટનાનો ભોગ બનેલાઓ મુમ્મીદિવરમના વિધાનસભ્ય પી. વેકટા સતીશકુમરના સંબંધી હતા. (એજન્સી)