ગેરકાયદે મદરેસા, મજાર તોડવાને પગલે અગનખેલ ઉત્તરાખંડની હિંસામાં છનાં મોત, ત્રણસોથી વધુ ઘાયલ
પેટ્રોલ બૉમ્બ ફેંકાયા, પોલીસને સળગાવવાની કોશિશ
હિંસા: ઉત્તરાખંડના હલ્દ્વાનીના વનભૂલપુરા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલી ગેરકાયદે મદરેસા અને મજાર તોડવામાં આવતા વાહનોને સળગાવતા તોફાનીઓ. (પીટીઆઇ)
હલ્દ્વાની (ઉત્તરાખંડ): શહેરના વનભૂલપુરા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સરકારી જમીન પરની ગેરકાયદે મદરેસા અને મજાર તોડવામાં આવતા હિંસા ભડકી હતી અને તેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ જણ માર્યા ગયા હતા અને ત્રણસોથી વધુ ઘાયલ થયા હતા. ઘાયલોમાં અંદાજે ૧૦૦ પોલીસ કર્મચારી જ છે.
તોફાનીઓએ પોલીસ સ્ટેશન ઉપરાંત પોલીસ કર્મચારીઓને પણ સળગાવાનો પ્રયાસ કર્યો હતો. છત પરથી પેટ્રોલ બૉમ્બ ફેંકાયા હતા અને પથ્થરમારો કરાયો હતો.
મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ તોફાનીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
હિંસાને પગલે આ વિસ્તારમાં સંચારબંધી લાદવાનો તેમ જ તોફાનીઓને ‘દેખો ત્યાં ઠાર’ કરવાનો આદેશ અપાયો હોવાથી શાળા, કોલેજો સહિતના શૈક્ષણિક સંસ્થાઓ, દુકાનો, ઑફિસો વગેરે શુક્રવારે બંધ રહ્યા હતા.
નૈનીતાલનાં જિલ્લાધિકારી વંદના સિંહે જણાવ્યું હતું કે ગેરકાયદે મદરેસા અને મજાર તોડવા ઘણાં સમય અગાઉ જ નોટિસ અપાઇ હતી અને અતિક્રમણ હટાવવા ગયેલા મ્યુનિસિપલ અધિકારીઓ તેમ જ પોલીસ પર પથ્થરમારો કરાયો હોવાથી આ હિંસા ફેલાવવાનું પહેલેથી જ આયોજન કરાયું હોવાનું મનાય છે.
તોફાનીઓએ અનેક વાહનને સળગાવ્યા હતા અને વિવિધ સ્થળે પથ્થરમારો ચાલુ રાખ્યો હતો.
ઉત્તરાખંડના હલ્દ્વાની શહેરમાં મલિકા બજાર સ્થિત ગેરકાયદે મદરેસા અને મજારને તોડવા બુલડોઝર લઇને ગયેલી પોલીસ અને નિગમની ટીમ પર શરૂઆતથી મોટા પાયે પથ્થરમારો કરાયો હતો. ગુરુવારના આ પથ્થરમારામાં અંદાજે ૧૦ પોલીસ અને એક મહિલા ઘાયલ થયા હતાં, પરંતુ બાદમાં બીજા દિવસે મરણાંક વધીને છ થયો હતો અને ઘાયલોની સંખ્યા ૩૦૦થી વધી ગઇ હતી.
પોલીસે તોફાનીઓને વિખેરવા માટે લાઠીમાર કર્યો હતો અને અશ્રુવાયુ છોડ્યો હતો. તોફાનીઓએ વનભૂલપુરા પોલીસ સ્ટેશનને આગ લગાડી હતી. આ ઉપરાંત અનેક વાહનને સળગાવ્યાં હતાં. પરિસ્થિતિ બેકાબૂ બનતા સંચારબંધી લદાઇ હતી.
એસએસપી પ્રહ્લાદ મીણાએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓને આ ગેરકાયદે મદરેસા અંગે નોટિસ આપી હતી અને તેના થોડા દિવસ પછી જ તે તોડવા ગયા હતા. આ મદરેસા સરકારી જમીન પર અતિક્રમણ કરીને બાંધવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય, સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંહ, એસડીએમ પારિતોષ વર્માની હાજરીમાં આ ગેરકાયદે મદરેસા અને મજાર તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. (એજન્સી)