
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ફરી વધુ ગંભીર મુદ્દો બની રહ્યો છે. કોરોના વાયરસના નવા કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 702 નવા કેસ નોંધાયા છે, જેના કારણે તંત્રની ચિંતા વધી રહી છે. એક દિવસ પહેલા દેશમાં 24 કલાકમાં કોવિડના 529 નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલએ આજે જાહેર કરેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 702 નવા કેસ નોંધાયા છે, જેની સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 4097 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19ને કારણે કુલ 6 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હી, કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક-એક દર્દીનું મોત થયું છે.
કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1 ના દેશભરમાં અત્યાર સુધીમાં 110 નવા કેસ નોંધાયા છે. બુધવારે પ્રથમ વખત, દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ નોંધાયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં JN.1 સબ વેરિઅન્ટના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 3 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આગામી દિવસોમાં કોરોના અને તેના પેટા પ્રકારોના કેસ વધશે. જોકે, રાહતની વાત એ છે કે કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા હજુ પણ નિયંત્રણમાં છે.
અગાઉ, 5 ડિસેમ્બર સુધીમાં દૈનિક કેસોની સંખ્યા બે આંકડામાં નોંધાઈ હતી. વર્ષ 2020 ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં લગભગ ચાર વર્ષમાં, દેશભરમાં 4.5 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 5.3 લાખથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા 4.4 કરોડ થઈ ગઈ છે. રિકવરી રેટ 98.81 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. વેક્સિનેશન અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.