સોરેન પરિવારમાં બળવો, ભાજપમાં સામેલ થયા સીતા સોરેન
રાંચીઃ જેએમએમના વડા શિબુ સોરેનના મોટા પુત્રવધુ સીતા સોરેન ભાજપમાં જોડાઈ ગયા છે. ઝારખંડમાં ભાજપના રાજ્ય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ લક્ષ્મીકાંત વાજપેયી અને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ વિનોદ તાવડેએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. સીતા સોરેને ભાજપમાં જોડાવાના થોડા કલાકો પહેલા જ જેએમએમ છોડી દીધું હતું. તેમણે દાવો કર્યો હતો કે ઝારખંડના શાસક પક્ષમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે તેથી તેઓ જેએમએમ સાથે છેડો ફાડી રહ્યા છે. સીતાના પતિ દુર્ગા સોરેનનું અવસાન થયું છે.
તેમના પરિવારના હેમંત સોરેન ઝારખંડના સીએમ રહી ચૂક્યા છે. 31 જાન્યુઆરીએ EDએ હેમંત સોરેનની જમીન કૌભાંડ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. તે પછી, JMMએ તેમના સ્થાને ચંપાઈ સોરેનને વિધાનસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા અને તેમણે નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
સીતા સોરેન ભાજપમાં જોડાયા બાદ વિનોદ તાવડેએ કહ્યું હતું કે, ઝારખંડના નેતા અને બહેન સીતા સોરેન ભાજપમાં જોડાયા છે. તેમના ભાજપમાં જોડાવાથી પાર્ટીની તાકાત વધી છે.
લોકસભા ચૂંટણી બાદ તેની અસર જોવા મળશે. ઝારખંડમાં આપણે શક્તિશાળી બની રહ્યા છીએ. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. તે આદિવાસી કાર્યક્રમમાં પોતાની તમામ તાકાત લગાવશે. તો ભાજપના લક્ષ્મીકાંત વાજપેયીએ કહ્યું હતું કે, જેએમએમમાં રહીને પણ સીતાએ ભ્રષ્ટાચાર સામે લડત આપી હતી. તેમણે દિલ્હી સુધી અવાજ ઉઠાવ્યો છે. તેઓ આદિવાસી બહેનો સંઘર્ષનો પર્યાય છે.
ભાજપમાં જોડાયા બાદ પીએમ મોદીની પ્રશંસા કરતા સીતા સોરેને જણાવ્યું હતું કે, આજે હું વિશાળ પરિવાર સાથે જોડાઈ રહી છુંનરેન્દ્ર મોદીની વિચારસરણી સમગ્ર ભારત અને વિશ્વને દેખાઇ રહી છે, રોજેરોજ વિકાસના કામો થઈ રહ્યા છે. સૌ સાથે મળીને દેશના વિકાસમાં ફાળો આપી રહ્યા છે. આજે દરેક વ્યક્તિ આ પરિવારમાં જોડાઈ રહી છે.
મેં ઝારખંડમાં ઘણા સંઘર્ષો લડ્યા છે. હું 14 વર્ષ સુધી ઝારખંડ મુક્તિ મોરચામાં રહી. મારા સસરા શિબુ સોરેન અને પતિ દુર્ગા સોરેનના નેતૃત્વમાં અલગ રાજ્યની રચના કરવામાં આવી. રાજ્યના વિકાસના કામો માટે તેઓ લડ્યા. મારા પતિનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી ગયું. તેમનું સપનું પૂરું કરવા માટે હું જેએમએમનો વિધાનસભ્ય બની, પરંતુ જે લક્ષ્ય પ્રાપ્ત કરવું જોઈતું હતું તે પ્રાપ્ત થઈ શક્યું નથી. ઝારખંડ હજુ પણ વિકાસથી દૂર છે. આપણે ઝારખંડ બચાવવું છે અને ન્યાય મેળવવો છે, તેથી જ હું મોદીજીના પરિવાર સાથે જોડાઇ છું.