નેશનલ

વિદેશમાંથી ફંડ મેળવનારા ૪૦૦૦ મદરેસાની સીટ તપાસ કરશેઃ આ રાજ્યની સરકારે લીધો નિર્ણય

લખનઉઃ ઉત્તર પ્રદેશ (યુપી) સરકારે ૪૦૦૦ મદરેસાઓની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી છે. ખાસ કરીને નેપાળની સરહદે ચાલતા મદરેસાઓ માટે કે જે વિદેશમાંથી ભંડોળ મેળવી રહ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, ભંડોળમાં મળેલા નાણાનો ઉપયોગ આતંકવાદ અથવા બળજબરીથી ધર્મ પરિવર્તન જેવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં થયો હતો કે કેમ તેની સીટ તપાસ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર આતંકવાદ વિરોધી ટુકડી(એટીએસ)ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ(એડીજી) મોહિત અગ્રવાલની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની સીટની રચના કરવામાં આવી હતી. સાયબર સેલના પોલીસ અધિક્ષક ત્રિવેણી સિંહ અને લઘુમતી કલ્યાણ વિભાગના ડિરેક્ટર જે. રીભા તેના અન્ય સભ્યો છે.

સીટની રચનાની પુષ્ટિ કરતા એડીજી અગ્રવાલે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં લગભગ ૨૪,૦૦૦ મદરેસા છે. જેમાંથી ૧૬,૦૦૦ માન્ય અને ૮૦૦૦ અમાન્ય છે. લગભગ ૪૦૦૦ મદરેસા તપાસના દાયરામાં આવી શકે છે અને તમામને નોટીસ આપવાની પ્રક્રિયા આ અઠવાડીયે શરૂ થશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર નેપાળની સરહદે આવેલા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનેક મદરેસાઓ ખુલ્યા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિદેશમાંથી મળેલા ભંડોળનો રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાની અગાઉ ફરીયાદ મળી હતી. ગયા વર્ષે એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં મોટાભાગની મદરેસાઓ મોટી રકમ મેળવી રહી છે, પરંતુ ચોક્કસ હિસાબ આપવાને અસમર્થ છે. સીટ આવા મદરેસાઓને નોટીસ આપશે અને એક્સચેન્જ અર્નર્સ ફોરેન કરન્સી એકાઉન્ટમાં થતા વ્યવહારો વિશે માહિતી માંગશે, એમ તેમણે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button