સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષની ગેરલાયકાત સંબંધિત કેસની સુનાવણી થઇ હતી. આ સુનાવણી દરમિયાન CJI DY ચંદ્રચુડ શિવસેના (ઉબાઠા) પક્ષના વકીલ પર ગુસ્સે થયા હતા અને તેમને જણાવ્યું હતું કે, ‘એક દિવસ આ ખુરશી પર બેસી જુઓ… તમે જીવ બચાવીને ભાગશો..’
CJI DY ચંદ્રચુડના નેતૃત્વમાં ત્રણ જજની બેન્ચ કેસની સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન અજિત પવાર જૂથે પોતે આ કેસમાં જવાબ દાખલ કરવાનો નિર્ણય લીધો છે અને તેમણે આ માટે થોડો વધુ સમય માંગ્યો હતો. CJI દ્વારા તેમની માંગણી સ્વીકારવામાં આવી હતી અને સુનાવણી બે અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. જોકે, આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે તરફથી હાજર થયેલા વકીલે કંઈક કહ્યું જે સાંભળીને CJI તેમના પર ગુસ્સે થઈ ગયા હતા.
CJI ચંદ્રચુડ સાથે જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેંચ મહારાષ્ટ્રમાં રાજકીય વિવાદો સંબંધિત બે અલગ-અલગ અરજીઓ પર સુનાવણી માટે તારીખ આપવા પર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે ઉદ્ધવ ઠાકરે તરફથી આવેલા વકીલે જજને નજીકની તારીખ આપવા કહ્યું હતું , કારણ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ વકીલે એમ પણ કહ્યું કે દસ્તાવેજો બે-ત્રણ દિવસમાં તૈયાર કરી શકાશે.
નારાજ ચીફ જસ્ટિસે કહ્યું, ‘કૃપા કરીને કોર્ટને આદેશ ન આપો. તમે એવું કેમ નથી કરતા…બસ અહીં આવીને એક દિવસ બેસો અને મેજિસ્ટ્રેટને કહો કે તમારે કઈ તારીખ જોઈએ છે… તમે જાણો છો કે કોર્ટ કેટલા દબાણમાં કામ કરે છે. એક દિવસ માટે તમે આ ખુરશી પર બેસી જુઓ… હું ખાતરી આપું છું કે તમે જીવ બચાવીને ભાગશો..’