સિક્કિમ પૂરમાં મૃત્યુઆંક વધીને આટલો થયો…
ગંગટોક: સિક્કિમમાં તિસ્તા નદીમાં આવેલા પૂરના કાટમાળમાંથી 9 સેનાના જવાનો સહિત 32 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 100થી વધુ ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. SSDMAએ જણાવ્યું હતું કે 122 ગુમ લોકોની શોધ હજુ ચાલુ છે. સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં 78, ગંગટોક જિલ્લામાં 23, મંગનમાં 15 અને નામચીમાં છ લોકો ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં વિશેષ રડાર, ડ્રોન અને મિલિટ્રી ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પાક્યોંગમાં 21, ગંગટોકમાં છ, મંગનમાં ચાર અને નામચીમાં એક મૃતદેહ મળી આવ્યો છે. કુલ 31 મૃતદેહ મળી આવ્યા છે.
સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) અનુસાર, બુધવારની વહેલી સવારે વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી 41,870 લોકો પ્રભાવિત થયા હતા. રાજ્યના જુદા જુદા ભાગોમાંથી અત્યાર સુધીમાં 2563 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એટલું જ નહીં સિક્કિમના મોટાભાગના વિસ્તારોનો અન્ય રાજ્યો સાથે સંપર્ક તૂટી ગયો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર સિક્કિમની લાઈફલાઈન ગણાતા નેશનલ હાઈવે 10 પર રસ્તાઓમાં તિરાડો અને તિસ્તા નદી પરના અનેક પુલોને નુકસાન થવાને કારણે વાહનવ્યવહાર બંધ છે. રંગપો અને સિંગતમ વચ્ચેના વિભાગને ખોલવાની અને પહોળી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.