
ગેંગટૉકઃ સિક્કિમમાં મંગળવારે રાત્રે આવેલા પૂરને કારણે આવેલા વિનાશને કારણે ઘણા રસ્તાઓ ધોવાઇ ગયા છે અને અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર વાદળ ફાટવાને કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં આવેલા અચાનક પૂરને કારણે પાંચ લોકોના મોત અને 23 આર્મી જવાનો ગુમ થયાના અહેવાલ છે. ગુમ થયેલા જવાનોની શોધખોળ હજુ ચાલુ છે. આ મોટી દુર્ઘટના પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા સામે આવી છે.
મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સિક્કિમના મુખ્ય પ્રધાન પી. એ.તમાંગ સાથે વાત કરી અને રાજ્યના કેટલાક ભાગોમાં દુર્ભાગ્યપૂર્ણ કુદરતી આપત્તિને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી છે.” તેમણે પડકારોનો સામનો કરવા માટે શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી અને જણાવ્યું હતું કે, હું અસરગ્રસ્ત તમામ લોકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.
“ગંગટોકથી લગભગ 30 કિમી દૂર સિંગતમ શહેરમાં તિસ્તા નદીના ઈન્દ્રેની પુલ પરથી અચાનક પૂર આવ્યું હતું, જેમાં બલુતાર ગામનો સ્ટીલનો બનેલો એક લિંક બ્રિજ પણ સવારે 4 વાગ્યે ધોવાઈ ગયો હતો,” ગંગટોક જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, “સિંગતમમાં નદીના તટની નજીકના લોકોને શહેરમાં અસ્થાયી રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.”
મુખ્ય પ્રધાન પી.એસ. તમાંગે તિસ્તા નદીની ખીણમાં અચાનક પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સિંગતમની મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાને સિંગતમ નગર પંચાયત કચેરીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તેમને પરિસ્થિતિ પર નજર રાખવા જણાવ્યું હતું. “આ પડકારજનક સમયે, હું આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત તમામ પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું,” એમ તમંગે કહ્યું હતું.