શું હળદર, લીમડા, લીંબુ પાણીથી કેન્સર હરાવી શકાય? જાણો ડૉક્ટરોએ શું કહ્યું
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેમની પત્ની નવજોત કૌરનું કેન્સર ખાસ ઘરેલું આહારથી મટાડવામાં આવ્યું છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટરે સિદ્ધુના આ નિવેદન પર ટીકા કરતા કેન્સરના દર્દીઓને સલાહ આપી છે કે તેઓ આવી કોઈપણ ‘અપ્રમાણિત સારવાર’ પર વિશ્વાસ કરવાની ભૂલ ન કરે.
નોંધનીય છે કે હાલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે ખાંડ, ડેરી ઉત્પાદનોનું સેવન ટાળવું અને હળદર અને લીમડાનું સેવન કરવું તેમની પત્નીના કેન્સરને મટાડવામાં ખૂબ અસરકારક સાબિત થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં સિદ્ધુએ કહ્યું હતું કે તેમની પત્ની નવજોત કૌર સ્ટેજ-4 કેન્સરથી પીડિત છે. સાદા આહાર અને વ્યવસ્થિત જીવનશૈલીથી તેમનું કેન્સર મટી ગયું છે.
ડૉક્ટરોએ પણ જવાબ આપી દીધો હતો અને કહ્યું હતું કે તેમની પત્નીના બચવાની શક્યતા માત્ર 5 ટકા છે, પરંતુ હળદર, લીમડાનું પાણી, સફરજન સીડર વિનેગર અને લીંબુ પાણીના નિયમિત સેવન અને ખાંડ, કાર્બોહાઇડ્રેટ્સ તદ્દન બંધ કરીને અને વચ્ચે વચ્ચે એકટાણા, ઉપવાસ કરીને તેમની પત્ની સાજી થઇ ગઇ હતી અને તેને માત્ર 40 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ અંગે ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર કહે છે કે આ દાવાઓ પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. તેમણે ટાટા મેમોરિયલ હોસ્પિટલના 262 વર્તમાન અને ભૂતપૂર્વ કેન્સર નિષ્ણાતો દ્વારા સહી કરેલું નિવેદન પણ બહાર પાડ્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હળદર અને લીમડાથી કેન્સરના સફળ ઈલાજ અંગે કોઈ ક્લિનિકલ ડેટા ઉપલબ્ધ નથી.
ટાટા મેમોરિયલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ કેન્સરના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગના કિસ્સામાં આવી ‘અપ્રમાણિત સારવારો’ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી છે. જો યોગ્ય સમયે કેન્સરની જાણ થઈ જાય તો તેની સારવાર શક્ય છે. કેન્સરની સાચી સારવાર શસ્ત્રક્રિયા, રેડિયેશન અને કીમોથેરાપી છે.
ડૉ. પ્રમેશે સોશિયલ મીડિયા પર સિદ્ધુની પ્રેસ કોન્ફરન્સની ક્લિપ પણ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, ‘આવી વાતોથી કોઈને મૂર્ખ ન બનાવવું જોઈએ.’ તેમણે કહ્યું કે આવા દાવાઓ બિન વૈજ્ઞાનિક અને પાયાવિહોણા છે. નવજોત કૌરની પણ સર્જરી અને કીમોથેરાપી થઇ હતી. આ જ કારણ છે કે આજે તે કેન્સરથી મુક્ત છે. હળદર, લીમડો કે અન્ય કંઈપણ આમાં મદદરૂપ હોવાનો દાવો બિન-વૈજ્ઞાનિક છે.