મધ્ય પ્રદેશની બે વર્ષીય સિદ્ધિ મિશ્રાની અનોખી સિદ્ધિ…
મધ્ય પ્રદેશના ભોપાલની બે વર્ષની સિદ્ધિ મિશ્રા 22મી માર્ચના Mt. Everest Base Camp સુધી પહોંચનારી સૌથી નાની ઉંમરની બાળકી બની ગઈ છે. આ નાનકડી બાળકીએ પોતાની મમ્મી ભાવના ડેહરિયા સાથે Bace Camp પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. અહીંયા તમારી જાણ માટે ભાવના ખુદ માઉન્ટેનિયર છે.
સિદ્ધિએ નાની ઉંમરે મમ્મી સાથે એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચનારી સૌથી નાની ઉંમરની પર્વતારોહી બની ગઈ છે. હિમાલય એક્સપીડિશનના નિર્દેશક નબીન ટ્રિટલના જણાવ્યા અનુસાર સિદ્ધિ મિશ્રાએ પોતાના મમ્મીની પીઠ પર સવાર થઈને સમુદ્રની સપાટીથી 17,598 ફૂટની ઊંચાઈ પર નેપાળની દક્ષિણ તરફથી ચઢાઈ કરી હતી. આ દરમિયાન બંનેની પૂરી સફરમાં નીમા શેરપાએ માર્ગદર્શક તરીકે સાથ આપ્યો હતો.
સિદ્ધિ અને ભાવના 12મી માર્ચના કાઠમાંડુના લુક્લા ખાતે પહોંચ્યા હતા. બંનેએ એક જ દિવસમાં ફાકડિંગ સુધી પગપાળા યાત્રા કરી હતી. બીજા દિવસે 13મી માર્ચના તેમણે ફાકડિંગથી નામચે બજાર સુધી ટ્રેકિંગ કરી હતી.
એક્લીમેટાઈઝેશનના એક દિવસ બાદ 15મી માર્ચના તેણે માઈનસ 12 ડિગ્રી ટેમ્પરેચરમાં 3860 મીટરની ઊંચાઈ પર નામચે બજારથી ટેંગબોચે સુધી ટ્રેકિંગ કરી હતી. આવા વાતાવરણમાં નાનકડી સિદ્ધિ માટે ટ્રેકિંગ કરવું સરળ તો નહોતું એટલે ભાવનાએ ડેબોચેમાં જ રહેવાનું નક્કી કર્યુ, કારણ કે ટેંગબોચેમાં વાતાવરણ ખૂબ જ ઠંડું હતું.
એક ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં ભાવનાએ જણાવ્યું હતું કે એક માતા તરીકે મારા માટે આ અઘરું હતું, પણ સિદ્ધિ અને મેં સાથે મળીને આ કરી દેખાડ્યું. 22મી માર્ચના દિવસે અમે લોકો બેઝ કેમ્પ પહોંચ્યા હતા અમે લોકો 22મી માર્ચના સવારે 10.45 કલાકે પહોંચ્યા હતા અને સવારે 11.52 કલાક સુધી ત્યાં ક્વાલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવના ડેહરિયા મિશ્રા એક પ્રોફેશનલ માઉન્ટેનિયર છે અને તે માઉન્ટ એવરેસ્ટ પર ચઢનારી મધ્ય પ્રદેશની સૌથી પહેલી મહિલા પર્વતારોહીમાંથી એક છે