
નવી દિલ્હીઃ દેશને ગૌરવ અપાવનાર અવકાશયાત્રી શુભાંશુ શુક્લાનું દિલ્હી એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની મુલાકાત લીધા પછી અવકાશયાત્રી શુભાંશુ શુક્લા રવિવારે સવારે ભારત પરત ફર્યા. રવિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
આજે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ પછી તરત જ, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુક્લા તેમના પરિવારને મળવા લખનઉ જઈ શકે છે. શુક્લા 15 જુલાઈના રોજ અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા હતા.

દિલ્હીના IGI એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ, દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, શુક્લાના પત્ની અને પુત્ર સહિત ઘણા લોકોએ તેમનું સ્વાગત કર્યું.
15મી ઑગસ્ટે લાલ કિલ્લા ખાતે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભાંશુ શુક્લાનો ઉલ્લેખ કર્યો હતો. શુક્લા નાસાના એક્સિઓમ-4 અવકાશ મિશનનો ભાગ હતા. આ મિશન 25 જૂને અમેરિકાના ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી.
શુક્લા 41 વર્ષમાં અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ ભારતીય બન્યા છે અને તેમણે દેશને ગૌરવ અપાવ્યું છે. તેમની આ સિદ્ધિ આખા દેશે વધાવી હતી. શુક્લાએ દિલ્હી આવતા પહેલા શનિવારે સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી.
તેમણે લખ્યું હતું કે, મિશન પછી પહેલી વાર મારા બધા મિત્રો, પરિવાર અને દેશના લોકોને મળવા માટે હું ઉત્સાહિત છું. શુક્લા વડા પ્રધાનને મળ્યા બાદ પોતાના શહેર લખનઉ જશે અને અહીં તેનો રોડ શૉ પણ યોજવામાં આવ્યો છે. દેશમાં વૈજ્ઞાનિક ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારી વ્યક્તિનો રોડ શૉ યોજાઈ તેવી લગભગ આ પહેલી ઘટના બનશે.
આ પણ વાંચો…શુભાંશુ શુક્લાએ અંતરિક્ષમાં 18 દિવસ શું કર્યું? ખેતીવાડી સહિતના અનેક પ્રયોગોની જાણો વાત…