શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ, હાઇ કોર્ટે પીઆઇએલ ફગાવી…
અલાહાબાદ: શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલ આજે અલાહાબાદ હાઈ કોર્ટમાં ફગાવી દીધી હતી. આ પીઆઈએલમાં વિવાદિત જગ્યા હિન્દુઓને સોંપવાની માંગ કરવામાં આવી હતી. તોમજ સમગ્ર જમીન અધિગ્રહણ કરવાની, એક ટ્રસ્ટની રચના અને હિંદુઓને પૂજા માટે પરવાનગી આપવાની માંગ કરવામાં આવી હતી.
હાઈ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું છે કે સમાન માંગણીઓ સંબંધિત દોઢ ડઝન સિવિલ સુટ્સ હાઈ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે કે આ કેસની સુનાવણી અયોધ્યા વિવાદના આધરે સીધી હાઈ કોર્ટમાં થવી જોઈએ કે મથુરાની ટ્રાયલ કોર્ટમાં થવી જોઇએ.
ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ડિવિઝન બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે જ્યારે મૂળ દાવો જ પેન્ડિંગ હોય તો આવા કેસમાં પીઆઈએલ પર નિર્ણય આપી શકાય નહીં. વર્ષ 2020માં આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ મહેક મહેશ્વરીએ દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કોર્ટમાં કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી હિંદુઓને વિવાદિત પરિસરમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે.
પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો છે કે વિવાદિત પરિસર પહેલા એક મંદિર હતું, જેને તોડીને ત્યાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે જે જગ્યાએ મસ્જિદ છે, ત્યાં કંસએ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના માતા-પિતાને કેદ કર્યા હતા.
અરજદાર વકીલ મહેક મહેશ્વરી દ્વારા 2020 માં દાખલ કરવામાં આવેલી આ પીઆઈએલમાં મુખ્યત્વે એવી દલીલ કરવામાં આવી હતી કે ઘણા ઐતિહાસિક ગ્રંથોમાં નોંધવામાં આવ્યું છે કે વિવાદિત સ્થળ વાસ્તવમાં કૃષ્ણ જન્મભૂમિ મથુરા છે. ઇસ્લામ માત્ર 1500 વર્ષ પહેલા આવ્યો છે તેમજ ઇસ્લામિક ન્યાયશાસ્ત્ર મુજબ તે યોગ્ય મસ્જિદ નથી, કારણ કે જમીન પર બળજબરીથી કબજો કરીને મસ્જિદ બનાવી શકાતી નથી. હિંદુ ન્યાયશાસ્ત્ર મુજબ, મંદિર એ મંદિર છે, ભલે તે ખંડેર હાલતમાં હોય.
આ પીઆઈએલ સુપ્રીમ કોર્ટના વકીલ મહેક મહેશ્વરીએ વર્ષ 2020માં દાખલ કરી હતી. હાલમાં હાઈ કોર્ટે પોતાનો આદેશ સંભળાવતા કહ્યું હતું કે જ્યારે મૂળ દાવો પેન્ડિંગ હોય, તો આવા કેસમાં પીઆઈએલ પર આદેશ આપી શકાય નહીં. આવી સ્થિતિમાં હાઈ કોર્ટે ટેકનિકલ આધાર પર પીઆઈએલ ફગાવી દીધી છે.