ભારતીય મહિલા ટીમ હાલમાં શ્રીલંકા દ્વારા આયોજિત T20 એશિયા કપમાં રમી રહી છે. મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ફ્રેક્ચર થવાથી સ્ટાર ઓલરાઉન્ડર શ્રેયંકા પાટીલ આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
શ્રેયંકા પાટીલને દાંબુલામાં પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તેની આંગળીમાં ઈજા થઈ હતી. મેડિકલ તપાસ બાદ, તેની આંગળીમાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે, જેના કારણે શ્રેયંકા આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. તેના સ્થાને લેફ્ટ આર્મ સ્પિનર તનુજા કંવરને ટીમમાં સામેલ કરવામાં આવી છે, જે 4 રિઝર્વ ખેલાડીઓમાં સામેલ હતી. તનુજા કંવરે વિમેન્સ પ્રીમિયર લીગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કંવરે 8 મેચમાં 10 વિકેટ લીધી હતી. તે ગુજરાત જાયન્ટ્સની સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની હતી. આ ઉપરાંત, તે ભારત A મહિલા ટીમના ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસનો પણ એક ભાગ છે.
પાકિસ્તાન સામેની મેચ દરમિયાન કેચ લેતી વખતે શ્રેયંકા પાટીલને ડાબા હાથની રિંગ ફિંગરમાં ઈજા થઈ હતી. ઈજા બાદ પણ તેણે મેચમાં બોલિંગ કરી હતી. શ્રેયંકાએ પાકિસ્તાન સામે 3.2 ઓવરમાં 14 રન આપીને બે વિકેટ લીધી હતી. શ્રેયંકાને મહિલા પ્રીમિયર લીગ દરમિયાન પણ એક આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ઘણી મેચ રમી શકી નહોતી.
આજે હરપ્રીતના નેતૃત્વમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એશિયા કપમાં સતત બીજી જીત નોંધાવવાના ઈરાદા સાથે યુએઈ સામે ટકરાશે.