
નવી દિલ્હી: દેશમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે. જેના પગલે આજે સવારથી શિવ મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. તેમજ આજથી કાવડ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે જે 9 ઓગસ્ટ સુધી ચાલશે. આ 28 દિવસની યાત્રામાં હરિદ્વારમાં અંદાજે 4.5 કરોડ કાવડિયાઓ આવવાની ધારણા છે.
ગંગા ઘાટ પર કાવડીઆઓની ભીડ ઉમટી
જેમાં હરિદ્વારમાં શ્રાવણના પ્રથમ દિવસથી હર કી પૌડીથી ગંગાના અન્ય ઘાટો સુધી કાવડીઓની ભીડ એકત્ર થઈ રહી છે. આ પવિત્ર યાત્રા માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાવડ માર્ગ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આખા રૂટ પર સુરક્ષા કર્મચારીઓ તૈનાત છે અને દેખરેખ માટે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાદ્યપદાર્થોની દુકાનોની સતત તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કાંવડ યાત્રાના રૂટ પર માંસની દુકાનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
હિન્દુ દુકાનો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે
ઉત્તર પ્રદેશના મુરાદનગરમાં કાવડ યાત્રા રૂટ પર હિન્દુ દુકાનો પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગંગનગર અને આસપાસના વિસ્તારોમાં હિન્દુ રક્ષા દળના કાર્યકરો તૈનાત છે. તેમનો આરોપ છે કે કાવડ રાખતી મહિલાઓને અન્ય ધર્મના લોકો દ્વારા હેરાન કરવામાં આવે છે. હિન્દુ રક્ષા દળના ગૌરવ સિસોદિયાએ કહ્યું, ‘અમને કાવડીઓની સલામતી અને યાત્રાની પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
કાવડ બનાવા અંગે વિવાદ
હરિદ્વારમાં કાવડ બનાવવા અંગે પણ વિવાદ સામે આવ્યો છે. જેમાં કેટલાક સંતો અને મહામંડલેશ્વરોએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને પત્ર લખીને માંગ કરી છે કે હરિદ્વારની સીમાની બહાર મુસ્લિમોને કાવડ બનાવવાની મંજૂરી આપવામાં આવે. તેમનું કહેવું છે કે હરિદ્વારમાં મુસ્લિમોને કાવડ બનાવવાની મંજૂરી ન આપવી જોઈએ. જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્રાનંદ ગિરીએ આ માંગણી ઉઠાવી હતી. ઉત્તરાખંડ સરકારે હજુ સુધી કાર્યવાહી નથી કરી
ગયા વર્ષે 4 કરોડ કાવડિયાઓએ યાત્રા કરી હતી
આ ઉપરાંત દિલ્હી પોલીસે કાવડિયાઓને ફક્ત નિર્ધારિત માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. એડીશનલ પોલીસ કમિશનર દિનેશ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમે કાવડિયાઓની સલામતી અને સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી છે.

વહીવટીતંત્રે પહેલા કરતા વધુ તૈયારીઓ કરી
ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહિનામાં શ્રાવણ શિવરાત્રી 23 જુલાઈએ ઉજવવામાં આવશે. આ પછી પણ ભક્તો 9 ઓગસ્ટ સુધી ગંગાજળ ચઢાવશે. ગયા વર્ષે કાવડ યાત્રામાં 4 કરોડથી વધુ કાવડિયાઓએ ભાગ લીધો હતો. આ વર્ષે આ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. આ જ કારણ છે કે વહીવટીતંત્રે પહેલા કરતા વધુ તૈયારીઓ કરી છે.