17 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે પિતૃ પક્ષનો આરંભ, આ છે શ્રાદ્ધની તિથિ….
સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું ઘણું મહત્વ છે. પિતૃ પક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસથી શરૂ થાય છે, જે અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે. આ 16 દિવસો પૂર્વજોને અર્પણ કરવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ, તર્પણ અને પિંડ દાન વગેરે કરવામાં આવે છે. પિતૃ પક્ષને શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આપણા પૂર્વજોના આત્માની શાંતિ માટે કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે અને પિતૃઓની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે.
આ વખતે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે અને તે બીજી ઑક્ટોબર સુધી ચાલશે. આપણે શ્રાદ્ધની તિથિઓ જાણીએ.
17 સપ્ટેમ્બર મંગળવારના રોજ પૂર્ણિમા શ્રાદ્ધ છે. એકમનું શ્રાદ્ધ શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર, બુધવારે છે. દ્વિતિયા (બીજ)નું શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર, ગુરુવારે છે. 20 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ત્રીજનું શ્રાદ્ધ, 21 સપ્ટેમ્બર શનિવારે ચતુર્થી (ચોથ)નું શ્રાદ્ધ, 22 સપ્ટેમ્બર રવિવારે પંચમીનું શ્રાદ્ધ કરવામાં આવશે. સોમવાર 23 સપ્ટેમ્બરના રોજ છઠ્ઠ અને સાતમનું શ્રાદ્ધ કરવામાં આવશે. 24 સપ્ટેમ્બર મંગળવારના રોજ આઠમનું, 25 સપ્ટેમ્બર બુધવારે નવમીનું, 26 સપ્ટેમ્બરને ગુરુવારે દશમીનું શ્રાદ્ધ કરવામાં આવશે. 27 સપ્ટેમ્બર, શુક્રવારના રોજ એકાદશી (અગિયારસ)નું શ્રાદ્ધ, 29 સપ્ટેમ્બર, રવિવારના રોજ બારસ (દ્વાદશી)નું શ્રાદ્ધ, 30 સપ્ટેમ્બર, સોમવારના રોજ ત્રયોદશી (તેરસ)નું શ્રાદ્ધ, પહેલી ઑક્ટોબર મંગળવારના રોજ ચૌદસ (ચતુર્દશી) નું શ્રાદ્ધ અને બુધવાર બીજી ઑક્ટોબરના રોજ સર્વ પિતૃ અમાવસ્યાના રોજ અમાવસ્યાનું શ્રાદ્ધ કરવામાં આવશે. જો કોઈને પોતાના પૂર્વજોની મૃત્યુ તિથિ યાદ ન હોય તો તેમણે પિતૃ પક્ષના અંતિમ દિવસે એટલે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ.
પિતૃ પક્ષના અવસર પર બિહારના ફાલ્ગુ નદીને કિનારે આવેલા ગયા ખાતે વિશ્વ પ્રસિદ્ધ પિતૃ પક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સમયે સમગ્ર વિશ્વમાંથી હિંદુઓ તેમના માતાપિતા સહિત તેમના તમામ પૂર્વજો માટે શ્રાદ્ધ અને પિંડ દાન કરવા અહીં આવે છે. એમ કહેવાય છે કે ત્રેતાયુગમાં ભગવાન રામે અહીં તેમના માતા-પિતા સાથે તેમના પૂર્વજોને તર્પણ અને પિંડ દાન પણ અર્પણ કર્યા હતા.
તિથિ પ્રમાણે પિતૃઓનું શ્રાદ્ધકરવાથી તેમનો આત્મા તૃપ્ત થાય છે અને ખુશ થઇને તેઓ પિતૃલોકમાં પાછા ફરે છે. તેમને પ્રસન્ન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.