અયોધ્યામાં દુકાનોના શટરને હિંદુ-થીમ આર્ટવર્કથી શણગારાયા
જય શ્રી રામ: જાન્યુઆરીમાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ અગાઉ અયોધ્યામાં રામ પથ સહિત મુખ્ય રસ્તાઓ પર આવેલી દુકાનના શટરો હિન્દુ થીમ આધારિત ચિત્રોથી શણગારવામાં આવ્યા છે. નવા જ બાંધવામાં આવેલા મર્યાદા પુરષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશન ઍરપોર્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૩૦ ડિસેમ્બરે ઉદ્ઘાટન કરવામાં આવશે. (એજન્સી)
અયોધ્યા: અયોધ્યામાં શ્રીરામ મંદિર ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યામાં રામ પથ અને અન્ય અગ્રણી શેરીઓની બાજુમાં આવેલી દુકાનોના શટરને જાન્યુઆરીમાં થનાર અભિષેક સમારોહ પહેલા જય શ્રીરામના મંત્રોચ્ચાર સાથે મંદિરની રેખાકૃતિથી લઇને સ્વસ્તિક પ્રતીક સુધી હિન્દુ-થીમ આર્ટવર્કથી શણગારવામાં આવ્યા છે.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ૨૨ જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શહેરને સજ્જ કરવાના પ્રયાસના ભાગરૂપે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આ તૈયારી કરવામાં આવી છે. સાહદતગંજ અને નયા ઘાટને જોડતા પુન:વિકસિત ૧૩ કિલોમીટરના રસ્તાને રામ પથ નામ આપવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં અયોધ્યામાં હાથ ધરવામાં આવેલા પુનર્વિકાસના ભાગરૂપે, આ માર્ગને બંને બાજુએ પહોળો કરવામાં આવ્યો હતો અને તેના માટે આગળની બાજુથી ઘણા બાંધકામોને આંશિક રીતે તોડી પાડવામાં આવ્યા હતા. તેની બંને બાજુએ મોટી સંખ્યામાં દુકાનો છે. પુન:વિકાસના ભાગરૂપે આ માર્ગ સાથેના માળખાના આગળના ભાગમાં એક નવો રવેશ આપવામાં આવ્યો છે. જેનો રંગ ક્રિમ છે જ્યારે શટર મોટાભાગે એક સમાન ઘેરા મરૂન રંગના છે.
રામ પથની બાજુમાં આવેલી દુકાનોના શટર પરના આર્ટવર્કમાં જય શ્રીરામના મંત્રોચ્ચાર સાથે મંદિરની રેખાકૃતિ, સ્વસ્તિક પ્રતીક, શંખની છબીઓ, ગદા અને સુલેખન શૈલીમાં હિન્દીમાં લખાયેલ શ્રીરામ, લહેરાતો ભગવો ધ્વજ, સૂર્ય, ધનુષ્ય અને તીર અને હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓ દ્વારા રચવામાં આવેલી તિલકની છબીઓનો સમાવેશ થાય છે. આ આર્ટવર્કને જોઇને ઘણા વટેમાર્ગુઓ અને ભક્તો પ્રશંસા કરવા અને તેની તસ્વીરો લેવા માટે રોકાય જાય છે.
અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત મંદિર નગરના અગ્રણી રસ્તા પર આલીશાન સૂર્ય થીમ આધારિત ‘સૂર્ય સ્તંભ’ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ૩૦ ફૂટની ઉંચાઇ ધરાવતા દરેક થાંભલામાં એક સુશોભિત ભ્રમણકક્ષા છે, જેને રાત્રે પ્રગટાવવામાં આવતા સૂર્ય જેવા દેખાઇ છે. ઉત્તર પ્રદેશ પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટના અયોધ્યા ડિવિઝનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રકારના ૪૦ થાંભલા ધરમ પાથ રોડ પર સ્થાપિત કરવામાં આવશે, જે નયા ઘાટ નજીક લત્તા મંગેશકર ચોકને અયોધ્યા બાયપાસ સાથે જોડે છે. પીડબ્લ્યુડી સહાયક એન્જિનિયર એ. પી. સિંહના જણાવ્યા અનુસાર નવા બંધાયેલા રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેક પહેલા આ સૂર્ય સ્તંભો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે. જેમાંથી લગભગ ૨૦ લત્તા મંગેશકર ચોક પાસે હશે, જેમાં રસ્તાની દરેક બાજુએ ૧૦ થાંભલા હશે. લત્તા મંગેશકર ચોક પાસેના તમામ ૨૦ સૂર્ય સ્તંભ મંગળવાર સુધીમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર શહેરને ઐતિહાસિક દિવસ માટે શણગારવામાં આવી રહ્યું છે. અયોધ્યા ૨૨ જાન્યુઆરીએ ચમકી ઉઠશે. આ પ્રસંગે વડા પ્રધાન મોદી પ્રાણ પ્રતિષ્ઠા અને રામ લલ્લા મૂર્તિના અભિષેક સમારોહમાં ભાગ લેશે.