સ્પાઈસજેટના ટોયલેટમાં બેસીને મુંબઈ પહોંચેલા યાત્રીને મળશે પૂરું રિફંડ, એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ આપ્યો તપાસનો આદેશ….

મુંબઈ: સ્પાઈસજેટ એરલાઈન્સની મુંબઈ-બેંગ્લોર ફ્લાઈટમાં એક પેસેન્જર 1.30 કલાક સુધી ટોઈલેટમાં ફસાઈ ગયો હતો કારણકે ટેક્નિકલ ખામીના કારણે શૌચાલયનો ગેટ ખૂલ્યો ન હોવાથી મુસાફર બહાર નીકળી શક્યો ન હતો. જ્યારે પ્લેન બેંગલુરુના કેમ્પાગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફે ટોઈલેટનો દરવાજો તોડીને પેસેન્જરને બહાર કાઢ્યો હતો. જો કે ટોયલેટમાં ફસાઈ જવાને કારણે પીડિત ખૂબજ નર્વસ હતો. પરંતુ હવે સ્પાઈસજેટને આ યાત્રીને જે અસુવિધા જઈ તે બદલ માફી માંગી અને તેની ટિકિટની તમામ રકમ રિફંડ આપ્યું છે.
એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાનના ટોયલેટમાં ફસાઈ જવાની આ ઘટના ફ્લાઈટ નંબર SG-268માં બની હતી. સ્પાઈસજેટના આ વિમાને 16 જાન્યુઆરીના રોજ સવારે 2 વાગ્યે મુંબઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. જો કે ટોયલેટમાં ફસાયેલા યાત્રીની કોઈ માહિતી મળી નથી. જો કે આ ઘટના બાદ સ્પાઇસજેટના પ્રવક્તાએ કહ્યું હતું કે ટોઇલેટમાં ફસાયેલા વ્યક્તિને સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યું છે. કેબિન ક્રૂએ પણ ટોયલેટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પણ દરવાજો ન ખૂલ્યો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન મુંબઈથી બેંગલુરુ જતી ફ્લાઈટના ટોઈલેટમાં સ્પાઈસ જેટના પેસેન્જર ફસાઈ જવાની ઘટનાની તપાસ કરી રહી છે. જો કે સ્ટાફનું કહેવું છે કે શૌચાલયના દરવાજાના લોકમાં ખામી હોવાના કારણે મંગળવારે આ ઘટના બની હતી. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ આ મામલાની તપાસ કરી રહી છે. આ ઘટના મેઈન્ટેનન્સ સંબંધિત સમસ્યા અથવા અન્ય કોઈ કારણોસર બની હોઈ શકે છે. જોકે તમામ શક્યતાઓની તપાસ કરવામાં આવી રહી છે.
પ્લેન ટેકઓફ થતાં જ મુસાફર પોતાનો સીટબેલ્ટ ખોલીને ટોયલેટમાં ગયો હતો. પરંતુ ટોયલેટના દરવાજામાં ખામી હોવાથી તે અંદર ફસાઈ ગયો હતો. પેસેન્જરે ટોયલેટની અંદરથી ક્રૂ મેમ્બર્સને એલર્ટ પણ મોકલ્યું કે તેઓ ફસાયા છે. આ પછી ક્રૂ મેમ્બરોએ ઉતાવળમાં દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમ છતાં દરવાજો ખોલ્યો ન હતો. અને યાત્રી દોઢ કલાક સુધી ટોયલેટમાં ફસાચેલો રહ્યો હતો.