કડવો કળિયુગઃ બિહારમાં બનેલી બળાત્કારની આ ઘટનાથી પોલીસ પણ અચંબામાં પડી
પટણાઃ મહિલા સુરક્ષા અને કાયદાઓના કેટલાય દાવાઓ વચ્ચે કમનસીબે દેશમાં દર કલાકે નહીં દર મિનિટે બળાત્કાર કે જાતીય સતામણીની ઘટનાઓ ઘટે છે, તેવું નેશનલ ક્રાઈમ બ્યૂરોના અહેવાલો કહે છે. ખાસ કરીને નાની બાળકીઓ કે કિશોરીઓ સાથે થતાં અમાનૂષી વર્તનના કિસ્સાઓ હૃદય કંપાવી દેનારા હોય છે, પરંતુ બિહારમાં બનેલી એક ઘટનાએ તો પોલીસને પણ ચોંકાવી દીધી છે. સાથે આ ઘટના સાંપ્રત સમાજની સ્થિતિને પણ અરીસો બતાવે છે.
ઘટના બિહારના નવાદા ગામના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના જેટલી આઘાતજનક છે, તેટલી જ શરમજનક પણ છે. અહીંની એક જાણીતી સ્કૂલમાં યુકેજીમાં ભણતી પાંચ વર્ષની બાળકીએ પોતાની મમ્મીને પોતાની સાથે સ્કૂલમાં જે થયું તેની વિગતો કહેતા પરિવારજનો શોક થઈ ગયા હતા. તેઓ સ્કૂલે ગયા અને અહીં જ્યારે સંચાલકને બધી વાત કહી ત્યારે સ્કૂલે વિગતો દબાવી દેવાની કોશિશ કરી. આથી પરિવાર પોલીસ સ્ટેશન ગયો અને પોલીસે બાળકી સાથે વાત કરી ત્યારે પોલીસ પણ અચંબામાં પડી ગઈ. બાળકી સાથે આવું કૃત્ય તે જ સ્કૂલમાં ભણતા પાંચમાં અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓએ કર્યું હતું. 12 અને 13 વર્ષના આ છોકરાઓ તેને બાથરૂમ પાસે લઈ ગયા અને તેની સાથે આવું કૃત્ય કર્યું હતું. (5th-6th standard students raped 5 years girl)
નવાદા પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તે બન્ને વિદ્યાર્થીને બાળ સુધાર કેન્દ્ર મોકલી દેવામાં આવ્યા છે.
આજકાલ ઈન્ટરનેટ-મોબાઈલને લીધે બાળકો સેક્સ્યુઅલ કન્ટેન્ટ જોઈ રહ્યા છે. તેમની નાસમજ ઉંમર અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તેઓ સ્ક્રીન પર જોઈ રહેલું પોતાના જીવનમાં કરવા ઈચ્છે છે. માતા-પિતા ને શિક્ષકોનું બાળકો પરનું નિયંત્રણ ઓછું થયું છે, સ્કૂલમાં પણ શિસ્તનો આગ્રહ રખાતો નથી, આ સાથે બાળકો સાથેનું કોમ્યુનિકેશન અને કનેક્ટ પણ ઓછું થયું છે. ભલે આવી ઘટના જવલ્લે થતી હોય છે, પરંતુ આ એક ઘટના પણ સતર્ક રહેવા માટે કાફી છે.