શિંદે શિવસેના ખરી
ઉદ્ધવ જૂથની રજૂઆતનો સ્પીકર દ્વારા અસ્વીકાર
મુંબઈ : મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે ચુકાદો આપ્યો હતો કે ૨૧ જૂન, ૨૦૨૨એ મૂળ શિવસેનામાં હરીફ જૂથોનો ઉદય થયો ત્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળનું જૂથ ‘સાચો રાજકીય પક્ષ’ હતો.
તેમણે શિંદેના નેતૃત્વ હેઠળના જૂથ અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથની એકમેકના વિધાનસભ્યને ગેરલાયક ઠરાવવાની અરજીઓ પર ચુકાદો આપતાં જણાવ્યું હતું કે ૨૧ જૂન, ૨૦૨૨થી સેના (યુબીટી)ના સુનીલ પ્રભુ વિપ (દંડક) રહ્યા નહોતા અને શિંદે જૂથના ભરત ગોગાવાલે સત્તાવાર વિપ બન્યા હતા. વિધાનસભ્યોને ગેરલાયક ઠરાવાની બધી અરજીઓ ઠુકરાવી દઉં છું.
નાર્વેકરે પોતાના ચુકાદાના મુખ્ય મુદ્દા ૧૦૫ મિનિટ સુધી વાંચ્યા હતા. નાર્વેકરે કહ્યું હતું કે હું એ સ્વીકારતો નથી કે પક્ષના ૨૦૧૮ના બંધારણને આધાર માની શકાય. ચૂંટણી પંચે આપેલું ૧૯૯૯નું બંધારણ જ સાચું બંધારણ છે. જૂન ૨૦૨૨માં હરીફ જૂથનો ઉદ્ભવ થયો ત્યારે એકનાથ શિંદેનું જૂથ ૫૪માંથી ૩૭ વિધાનસભ્યોની જંગી બહુમતી ધરાવતું હતું.
સ્પીકરે એવો પણ ચુકાદો આપ્યો હતો કે શિવસેનાના પ્રમુખને પક્ષના કોઈ પણ નેતાની હકાલપટ્ટી કરવાનો અધિકાર નથી અને ચૂંટણી પંચને સુપરત કરાયેલું ૧૯૯૯નું પક્ષનું બંધારણ જ વિવિધ બાબતોનો નિર્ણય લેવા માટે કાયદેસર બંધારણ છે. બંધારણ રાષ્ટ્રીય કાર્યકારણીને સર્વોપરી સંસ્થા બનાવે છે.
તેમણે એ દલીલ સ્વીકારી નહોતી કે પક્ષપ્રમુખની ઈચ્છા અને પક્ષની ઈચ્છા સમાનાર્થી છે. તેમણે ઠાકરે જૂથની એ દલીલ સ્વીકારી નહોતી કે સુધારેલા ૨૦૧૮ના બંધારણ પર મદાર રાખવો જોઈએ.
ચુકાદાનું વહેણ સ્પષ્ટ થવા માંડતાં મુખ્ય પ્રધાન શિંદેના જૂંથના ટેકેદારોએ ઉજવણી શરૂ કરી હતી.
સેના (યુબીટી)ના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતેે કહ્યું હતું કે સ્પીકરના આદેશ વિરુદ્ધ અમારો પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે.
શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથના સંજય રાઉતે કહ્યું હતું કે આ ભાજપનું કાવતરું છે અને તેમનું સપનું એ છે કે તે બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને એક દિવસે ખતમ કરી નાખશે, પરંતુ શિવસેના આ એક ચુકાદાથી ખતમ નહીં થાય. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
એનસીપીના નેતા શરદ પવારે પત્રકારોને કહ્યું હતું કે સ્પીકરના ચુકાદા વિરુદ્ધ ઉદ્દવ ઠાકરેને સર્વોચ્ચ અદાલતમાં જવું પડશે અને સ્પીકરે વિધાનસભા પક્ષને પ્રાથમિકતા આપી છે. (એજન્સી)