દિલ્હી લૂટીયન્સના એક બંગલામાં રહે છે શેખ હસીના: એક અખબારનો દાવો
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં ઉગ્ર વિરોધ અને હિંસાની પરિસ્થિતિ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો હતો. ત્યારથી જ શેખ હસીના ભારતમાં રહી રહ્યા હોવાની ચર્ચાઓ છે પણ તેઓ ભારતમાં કયા રોકાયા છે તેની ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે શેખ હસીનાને નવી દિલ્હીમાં લૂટીયન્સ બંગલા ઝોનમાં સુરક્ષિત આવાસ આપવામાં આવ્યું છે, જ્યાં તે તેના નજીકના સાથીઓ સાથે રહે છે.
એક અંગ્રેજી અખબારે તેના સૂત્રોને ટાંકીને લખ્યું કે શેખ હસીનાને નવી દિલ્હીના લુટિયન બંગલા ઝોનમાં ભારત સરકાર દ્વારા સુરક્ષિત નિવાસસ્થાન આપવામાં આવ્યું છે, જ્યાં તે તેના નજીકના સહયોગીઓ સાથે રહે છે. સામાન્ય રીતે મંત્રીઓ, વરિષ્ઠ સાંસદો અને ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવે છે તેવો બંગલો આપવામાં આવ્યો છે. જો કે સલામતી અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તેનું ચોક્કસ સરનામાંની માહિતી જાહેર કરવામાં આવી નથી. અહેવાલ છે કે શેખ હસીના ક્યારેક સુરક્ષા પ્રોટોકોલ મુજબ લોધી ગાર્ડનમાં ફરવા જાય છે.
શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને બાંગ્લાદેશ એરફોર્સના વિમાનમાં તેના કેટલાક નજીકના સહયોગીઓ સાથે હિડન એરબેઝ પર પહોંચ્યા હતા. તે દિવસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ તેમને એરબેઝ પર મળ્યા હતા. જો કે શેખ હસીના ત્યાં ખૂબ જ ઓછો સમય રહ્યા હતા, કારણ કે ત્યાંની વ્યવસ્થા તેમના માટે પૂરતી ન હતી. આ પછી તેને લ્યુટિયન્સ દિલ્હીના સુરક્ષિત વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શેખ હસીનાના દીકરી દિલ્હીમાં જ રહે છે:
ભારત સરકારે શેખ હસીના વિશે બાંગ્લાદેશ સરકારને સત્તાવાર રીતે જાણકરી આપી નથી, પરંતુ વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંસદમાં કહ્યું હતું કે શેખ હસીનાએ ભારતમાં અસ્થાયી રૂપે રહેવાની પરવાનગી માંગી હતી. શેખ હસીનાની બહેન બ્રિટિશ નાગરિક શેખ રિહાન્ના પણ તેમની સાથે ભારત આવી હતી. જો કે તે શેખ હસીના સાથે જ રહે છે કે કેમ તે અંગે કોઇ જ સ્પષ્ટતા નથી. વધુમાં, શેખ હસીનાની પુત્રી સાયમા વાજેદ, જેઓ WHOના દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રના નિર્દેશક છે, તે પહેલાથી જ દિલ્હીમાં રહે છે.