કચ્છમાં શીતલહેર: નલિયામાં ૯ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ:ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળસીમાની નજીક આવેલા કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાને વેગીલા પવનો સાથે ચડી આવેલી કાતિલ ઠંડીએ જાણે મુકામ બનાવ્યું હોય તેમ ઠંડીમાં રાહત વર્તાવવાની આશા ફરી ધૂળધાણી થવા પામી છે અને આજે નલિયા ખાતે ન્યુનતમ તાપમાન ફરી ૯ ડિગ્રી સે.નોંધાવાની સાથે કાતિલ ઠંડીએ થથરાવવાનું ચાલુ રાખ્યું છે.
અચરજની વાત તો એ છે કે, કચ્છનું કાશ્મીર નલિયા આજે ભારતના પ્રણાલીગત ઠંડા મથકોની સમકક્ષ ઠંડું રહેવા પામ્યું છે. ગ્લોબલ વોર્મિંગ હોય કે બીજાં કોઈ પણ કારણો હોય, શિયાળા દરમ્યાન નલિયા ગુજરાત-ભારતની સાથે દુનિયાના ઠંડા મથકોની માફક એક ઠંડું મથક બની ચૂક્યું છે. ઉત્તર ભારત અને હિમાચલ પ્રદેશમાં જયારે હિમવર્ષા થાય છે ત્યારે કાશ્મીરના ઠંડા પવનો અરબી સમુદ્ર પરથી પસાર થઈને સીધા નલિયા પહોંચી જાય છે જેને કારણે આવી પરિસ્થિતિ ઊભી થતી હોવાનું જાણવા મળે છે.
બીજી તરફ, ભુજમાં પણ ૧૫થી ૨૦ કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાઈ રહેલા હિમપવનોની સંગાથે ઠંડીમાં આજે વધારો થવા સાથે લઘુતમ ૧૧.૫ ડિગ્રી સે. જયારે મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી પર પહોંચ્યું છે.
સીમાવર્તી રાપરમાં ૧૩ ડિગ્રી જયારે કંડલા મહાબંદર ખાતે ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામતાં અહીં ઠંડીમાંથી નોંધપાત્ર રાહત મળી હતી.
દરમિયાન ઉતરાયણ પર્વને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફરી વળેલા આ ટાઢોળાને કારણે ઠેર-ઠેર ગોઠવાઈ ગયેલા પતંગોના વેપારીઓ પણ પરેશાન થઇ ચૂક્યા છે કારણ કે,લોકો બજારોમાં મારકણા ઠારને કારણે જવાનું ટાળી રહ્યા છે.