પૉન્ટિંગની 3-1ની ધારણા સામે શાસ્ત્રીએ કહ્યું, ‘અમારી જીતની હૅટ-ટ્રિક નક્કી છે’
નવી દિલ્હી: વન-ડેનો વર્લ્ડ કપ ગયા નવેમ્બરમાં અને ટી-20નો વિશ્ર્વ કપ જૂનમાં રમાઈ ગયો ત્યાર પછી હવે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની રેસ જામી છે. એ સ્પર્ધાના ભાગરૂપે આગામી નવેમ્બર-જાન્યુઆરી દરમ્યાન ઑસ્ટ્રેલિયામાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મૅચની જે ટેસ્ટ-શ્રેણી રમાવાની છે એ માટે અત્યારથી જ આગાહી કરવાની રેસ બન્ને દેશના ભૂતપૂર્વ ખેલાડીઓ વચ્ચે જામી છે. રિકી પૉન્ટિંગે મંગળવારે ધારણા વ્યક્ત કરી હતી કે ભારત સામેની સિરીઝમાં ઑસ્ટ્રેલિયા 3-1થી જીતશે. બીજી તરફ, રવિ શાસ્ત્રીએ બુધવારે કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયાની ટીમ પોતાની જ ધરતી પર ભારતીય ટીમને સતત ત્રીજી વાર ટેસ્ટ-સિરીઝ જીતતી રોકી નહીં શકે.’
આઠ મહિના પહેલાં શાસ્ત્રી અને પૉન્ટિંગે ભેગા મળીને ભારતીય ટીમને વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન ન્યૂ ઝીલૅન્ડ સામેની સેમિ ફાઇનલ પહેલાં મૉટિવેટ કરી હતી. ત્યારે રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ એક પછી એક વિજય મેળવીને નૉકઆઉટમાં પહોંચી હતી. શાસ્ત્રીએ રોહિતસેનાને કહ્યું હતું કે ‘તમે ફરી ચૅમ્પિયન બનવાનો આત્મવિશ્ર્વાસ જરાય નહીં ગુમાવતા. (2011 બાદ) ફરી હોમ-ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ રમી રહ્યા છો એટલે એનો લાભ લેવાનું ચૂકતા નહીં.’
રિકી પૉન્ટિંગે ભારતીય ખેલાડીઓ માટેના સંદેશમાં કહ્યું હતું, ‘તમે પોતાની ક્ષમતાને, કાબેલિયતને બરાબર ઓળખજો અને એમાં જરૂરી સુધારો લાવજો. તમારે ફાઇનલના સર્વોત્તમ પર્ફોર્મન્સ સુધી પહોંચવાનું જ છે એ ખાસ ધ્યાનમાં રાખજો.’
2023ની 15મી નવેમ્બરે વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની સેમિ ફાઇનલ ભારતે 70 રનથી જીતી લીધી હતી. વિરાટના 117 રન, શ્રેયસના 105 રન તેમ જ ગિલના અણનમ 80 રનની મદદથી ભારતે ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ ડેરિલ મિચલના 134 રનની મદદથી બનેલા 327 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ શમીએ 57 રનમાં સાત વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો.
આ પણ વાંચો : ધાર્યું તો ગંભીરનું જ થાય…જોઈતો હતો એ બોલિંગ-કોચ મળી ગયો
આગામી નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસકર ટ્રોફી રમાશે જેમાં પાંચ ટેસ્ટ રમાશે. એમાં સારું પર્ફોર્મ કરનારી ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી) માટેની ફાઇનલ માટેનો દાવો મજબૂત કરશે.
ઑસ્ટ્રેલિયા 2014-’15 પછી ભારતને ટેસ્ટ-સિરીઝ નથી હરાવી શક્યું. પૉન્ટિંગે પોતાના દેશના ટેસ્ટ ખેલાડીઓ માટેના સંદેશમાં કહ્યું, ‘અગાઉની ભારત સામેની બે સિરીઝ ચાર ટેસ્ટવાળી હતી, પણ આ વખતે પાંચ મૅચની છે એટલે આપણે ઘરઆંગણે 3-1થી જીતી જ જઈશું.’
જોકે આ પહેલાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયામાં છેલ્લી બન્ને ટેસ્ટ સિરીઝ (2018માં અને 2020માં) 2-1થી જીતી એને ધ્યાનમાં રાખીને રવિ શાસ્ત્રીનું માનવું છે કે ‘જસપ્રીત બુમરાહ ફુલ્લી ફિટ હશે, મોહમ્મદ શમી પણ પૂરી ફિટનેસ સાથે રમશે અને મોહમ્મદ સિરાજ પણ ટીમમાં હશે. અશ્ર્વિન અને જાડેજા તેમ જ બીજા યુવા બોલર્સની ફોજ ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયામાં જિતાડીને જ પાછી આવશે. આપણી ટીમ તેમની ધરતી પર ટેસ્ટ-સિરીઝના વિજયની હૅટ-ટ્રિક જરૂર કરશે. એ શ્રેણી ક્યારે શરૂ થાય એની હું રાહ જોઉં છું.’