
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ભાજપ તરફ ખેંચાઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી દીધી છે. હવે એક બીજું નામ ચર્ચામાં આવી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળ લોકસભાના સાંસદ શશિ થરૂર હવે ક્યાંક કોંગ્રેસથી નારાજ હોય તેવી અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં હોવા છતાં પણ એક કાર્યક્રમમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે કેન્દ્ર સરકારના ખૂબ જ વખાણ કર્યાં હતાં.
આ પણ વાંચો : “જય શ્રી રામ નહિ બોલે તો મારીશ, આ હિન્દુત્વ નથી” હિંદુ બનવાના માર્ગ પર બોલ્યા શશિ થરૂર…

અત્યારે સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દિગ્ગજ નેતા શશિ થરૂર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સાથે જોવા મળ્યાં છે. બન્ને નેતાઓ એક જ ફ્લાઈટમાં આજુબાજુની સીટ પર બેઠા હતાં. આ ફોટો પર ભાજપ નેતાએ લખ્યું કે, ‘આખરે અમે એક જ દિશામાં ચાલવા લાગ્યાં છીએ’. આ ફોટોને લઈને કોંગ્રેસ પાર્ટીની ચિંતાઓ વધી રહી છે. ભાજપ નેતા સાથે લીધેલા ફોટોને શશિ થરૂરે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મારા મિત્ર અને સહયાત્રીએ મને એવું કહેવા પર શરારતી કહ્યો જ્યારે મેં કહ્યું કે આપણે અંતઃ એક જ દિશામાં યાત્રા કરી રહ્યાં છીએ.’ આ તસવીર જોતા લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું શશિ થરૂર કોંગ્રેસ પાર્ટીને છોડી દેશે?
શશિ થરૂર મનમોહન સિંહની સરકાર વખતે વિદેશ પ્રધાન પણ રહ્યાં હતા. થોડા દિવસ પહેલા એક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, ભારતની કૂટનીતિએ નરેન્દ્ર મોદીને રશિયા અને યુક્રેન બન્ને દેશો સાથે સંબંધો મજબૂત બનાવવામાં મદદ કરી હતી. વધુમાં કહ્યું કે, ‘હું હવે મારો ચહેરો લૂંછી રહ્યો છું કારણે કે, હું એ લોકોમાંથી હતો જેમણે 2022 માં ભારતની પ્રતિષ્ઠાની આલોચના કરી હતી.’ આ પહેલા પણ શશિ થરૂર ભાજપના વખાણ કરતા જોવા મળ્યાં હતાં.
આ પણ વાંચો : કોંગ્રેસ નેતા શશિ થરૂરને ફ્રાન્સે આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન
ખાસ કરીને વાત કરવામાં આવે તો, શશિ થરૂરે થોડા સમય પહેલા રાહુલ ગાંધીને લઈને પણ કટાક્ષ કર્યો હતો. કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી મારૂ સ્થાન નક્કી કરે! દેખીતી રીતે આ સીધો રાહુલ ગાંધી પર કટાક્ષ હતો. આવી નિવેદનોના કારણે એવું લાગી રહ્યું છે કે, શશિ થરૂર કોંગ્રેસ સાથે નાતો તોડી શકે છે. શશિ થરૂર ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ થઈ રહી છે. જો કે, આ સંદર્ભે શશિ થરૂર તમામ દાવાઓને પોકળ ગણાવ્યાં હતાં.