ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

જયપુર લોકસભાના ઉમેદવાર સુનીલ શર્માની પસંદગી મુદ્દે શશિ થરૂરે ઝાટકણી કાઢી

જયપુરઃ તાજેતરમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી છે, જેમાં રાજસ્થાનની 6 બેઠકો પરથી ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ યાદી આવ્યા બાદ રાજસ્થાનના ઉમેદવારને લઈને નવો રાજકીય ડ્રામા શરૂ થયો છે, કારણ કે કૉંગ્રેસે જયપુરથી સુનીલ શર્માને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે તેમની ઉમેદવારી સામે વાંધો ઉઠાવ્યો છે. જોકે, સુનીલ શર્માનું કહેવું છે કે તેમને ‘ધ જયપુર ડાયલોગ્સ’ સાથે કોઈ લેવાદેવા નથી.

તે નોંધવું યોગ્ય છે કે ‘ધ જયપુર ડાયલોગ્સ’, એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જે અત્યંત જમણેરી વિચારધારાને પ્રોત્સાહન આપવા માટે જાણીતું છે. પ્લેટફોર્મના ડિરેક્ટર સુનીલ શર્માનું નામ કોંગ્રેસની આ યાદીમાં સામેલ છે, જે ગુરુવારે પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવી હતી. ‘ધ જયપુર ડાયલોગ્સ’ના અધિકૃત એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલી મોટા ભાગની સામગ્રીમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષી નેતાઓને નિશાન બનાવવામાં આવે છે અને તેમની વિરુદ્ધ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે. તેથી સ્વાભાવિકપણે જ સુનીલ શર્માને મેદાનમાં ઉતારવાથી શશી થરૂર સહિત પક્ષના ઘણા નેતાઓએ નારાજી વ્યક્ત કરી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે શનિવારે ‘જયપુર ડાયલોગ્સ’માંથી જૂની પોસ્ટ શેર કરી હતી, જેમાં રાહુલ ગાંધી અને થરૂરની મજાક ઉડાવવામાં આવી છે.

સુનીલ શર્માનો એક ઈન્ટરવ્યુ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જ્યારે એક રિપોર્ટરે તેમને આ પેજ વિશે પ્રશ્ન પૂછ્યો તો તેઓ ઈન્ટરવ્યુ છોડીને જતા રહ્યા હતા. જોકે, હવે સુનીલ શર્માએ આ અંગે ખુલાસો જાહેર કર્યો છે. તેઓ કહે છે કે તે જયપુર ડાયલોગ્સની કોઈપણ ચેનલ સાથે જોડાયેલ નથી. મને કેટલીક યુટ્યુબ ચેનલોના કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવે છે. હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. કેટલાક લોકો મને આ પેજ સાથે લિંક કરીને ખોટો પ્રચાર કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવ્યા બાદ, સુનીલ શર્માએ આગામી ચૂંટણીમાં જયપુરમાં પરિવર્તન લાવવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે સમાચાર એજન્સી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, “જયપુરના લોકો આગામી ચૂંટણીમાં પરિવર્તન લાવવા આતુર છે. દેશના ટોપ 25 સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવવામાં જયપુરની નિષ્ફળતા દુઃખદાયક છે. જો આ વલણ ચાલુ રહેશે, તો જયપુર નિર્જન બની શકે છે. તેથી, જયપુરના લોકો પરિવર્તન ઈચ્છે છે. હું માનું છું કે આ ચૂંટણી એક મહત્વપૂર્ણ વળાંક ચિહ્નિત કરશે.”

ઉલ્લેખનીય છે કે, સત્તાધારી ભાજપે હજુ જયપુર મતવિસ્તાર માટે તેના ઉમેદવારની જાહેરાત કરી નથી. રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણી બે તબક્કામાં 19 એપ્રિલ અને 26 એપ્રિલે યોજાવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button