“નેહરુના કેટલાક નિર્ણયોને કારણે આપણે 1962નું ચીન સાથેનું યુદ્ધ હાર્યા.” નેહરુ મુદ્દે કોંગ્રેસ નેતાનું નિવેદન…

નવી દિલ્હીઃ ભાજપના નેતાઓ અનેક મુદ્દે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પર દોષારોપણ કરતા હોય છે. પરંતુ આ શ્રેણીમાં એક કોંગ્રેસ નેતાનું નામ જોડાઈ ગયું છે અને આ નામ છે કોંગ્રેસના કદાવર નેતા શશી થરૂર. તેમણે એક બુક ફેસ્ટિવલમાં કહ્યું હતું કે તેઓ જવાહરલાલ નેહરુની દરેક નીતિથી સહમત નથી પણ દરેક વાત માટે તેને દોષી ઠેરવવા યોગ્ય નથી. તેમણે 1962ના ચીન સાથેના યુદ્ધનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે હાર માટે નેહરુના કેટલાક નિર્ણય જવાબદાર હોય શકે છે.
મનમાં નેહરુ પ્રત્યે સન્માન, પરંતુ….
એક બુક ફેસ્ટિવલ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુરે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની વિરાસત અને વર્તમાન રાજનીતિ પર ખુલીને ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ નેહરુના વિચારો અને બૌદ્ધિક ક્ષમતાના મોટા પ્રશંસક છે અને તેમના મનમાં નેહરુ પ્રત્યે ઘણું સન્માન છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ તેમની ટીકા ન કરી શકે. થરુરે સ્પષ્ટતા કરી હતી કે તેઓ નેહરુની ૧૦૦ ટકા નીતિઓનું સમર્થન કરતા નથી, જોકે ભારતમાં લોકશાહી સ્થાપિત કરવામાં નેહરુનો ફાળો અતુલનીય છે અને તેના માટે તેઓ હંમેશા પ્રશંસાને પાત્ર રહેશે.

દરેક સમસ્યા માટે નેહરુને બનાવાય છે ‘બલીનો બકરો’
વર્તમાન કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા થરુરે કહ્યું હતું કે, ભાજપ સરકાર લોકશાહી વિરોધી ભલે ન હોય, પરંતુ તે ‘નેહરુ વિરોધી’ ચોક્કસ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ દ્વારા નેહરુને દરેક નાની-મોટી સમસ્યા માટે જવાબદાર ઠેરવીને આસાન ‘બલીનો બકરો’ બનાવવામાં આવી રહ્યા છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે ૧૯૬૨માં ચીન સામે થયેલી હાર જેવા ગંભીર કિસ્સાઓમાં નેહરુના કેટલાક નિર્ણયોની ટીકા થઈ શકે છે અને તે હારનો શ્રેય તેમના નિર્ણયોને આપી શકાય છે, પરંતુ દરેક બાબતમાં તેમને દોષી ઠેરવવા તે ખોટું છે.
આ પણ વાંચો…1962ના યુદ્ધમાં ચીને ભારતની 38,000 ચો.કિ.મી. જમીન પચાવી: સંસદમાં સરકારનો ખુલાસો
પાર્ટી લાઇનથી અલગ થવા મુદ્દે શું કહ્યું?
પોતાના પક્ષ સાથેના સંબંધો અને વિચારધારા અંગે સ્પષ્ટતા કરતા થરુરે ઉમેર્યું હતું કે, તેઓ ક્યારેય કોંગ્રેસની પાર્ટી લાઇનથી અલગ થયા નથી. તેમણે કહ્યું કે વિવિધ વિષયો પર અંગત અભિપ્રાય વ્યક્ત કરવાનો અર્થ એ નથી કે તેમણે પક્ષની વિચારધારાનું ઉલ્લંઘન કર્યું છે. મોટાભાગના મુદ્દાઓ પર તેઓ પક્ષની સાથે જ રહ્યા છે. સંસદમાં મંત્રીઓ સામે તેમણે ઉઠાવેલા સવાલો એક સ્પષ્ટ દિશામાં હતા અને તેનાથી પક્ષને કોઈ તકલીફ ન થવી જોઈએ તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.



