
પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ પહેલા નેતાઓ વાર-પલટવારનો દોર ચાલી રહ્યો છે. આ દરમિયાન, કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આરજેડી નેતા અને મહાગઠબંધનના સીએમ ચહેરા તેજસ્વી યાદવ પર નિશાન સાધતા એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. કૃષ્ણમે કહ્યું કે તેજસ્વીના ઈરાદા જાહેર કરી દીધા છે અને તેમની સરકાર બની તો બિહારમાં શરિયા કાયદોને લાગુ કરવામાં આવશે.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું, “તેજસ્વી યાદવ ભૂલી ગયા છે કે મુખ્યપ્રધાનની પસંદગી જનતા કરે છે, પાર્ટી માત્ર સીએમ ઉમેદવારની પસંદગી કરે છે. તેમણે પોતાના ઇરાદા જણાવી દીધા છે. જો તેજસ્વી યાદવ મુખ્યપ્રધાન બનશે, તો વકફ કાયદાનો મામલો નહીં રહે, કારણ કે તેઓ બિહારમાં શરિયા કાયદો લાગુ કરશે.”
આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચાર માટેના બિહાર પ્રવાસ પહેલાં તેજસ્વી યાદવે તેમના પર કટાક્ષ કર્યો છે. રવિવારે પટનામાં મીડિયા સાથે વાતચીત કરતાં તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે વડા પ્રધાન મોદી બિહારને છેતરવા આવી રહ્યા છે.તેજસ્વી યાદવે કહ્યું કે વડા પ્રધાનના માત્ર પ્રવાસ અને રેલીઓથી જમીની હકીકત બદલાશે નહીં. તેમણે કહ્યું, “જુઓ, ચૂંટણી માટે બધાને આવવું પડે છે. તેમના આવવાથી શું ફરક પડશે? દરેક જણ જાણે છે કે તેઓ બિહારને છેતરવા આવી રહ્યા છે.”
આ સાથે જ તેજસ્વીએ વડા પ્રધાનના વિકાસના રેકોર્ડ પર સવાલ ઉઠાવ્યો અને બિહાર માટેના કેન્દ્રીય ફાળવણીમાં પારદર્શિતાની માંગ કરી. તેમણે કહ્યું, “અમે વડા પ્રધાન પાસેથી માત્ર એટલું જ જાણવા માંગીએ છીએ કે તમે 11 વર્ષમાં ગુજરાતને શું આપ્યું અને બિહારને શું આપ્યું – માત્ર હિસાબ બતાવી દો, અમને બસ આ જ જોઈએ છે. છેલ્લા વર્ષોમાં ગુજરાતને કેટલું આપવામાં આવ્યું અને બિહારને કેટલું, આ અમને જણાવી દો.”
આ પણ વાંચો…બિહારમાં ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણીઃ ઈલેક્શન કમિશનરે ચિત્ર ક્લિયર કરી નાખ્યું…



