
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં તેજીનો વાયરો છે પરંતુ અમુક શેરના રોકાણકારો હજુ નુકસાનીનો સામનો કરી રહ્યા છે. આમાંથી જ એક શેર પેટીએમનો છે, જેમાં ભેરવાયેલા રોકાણકારોને એક પછી એક ઝાટકા લાગી રહ્યા છે.
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી વહીવટી ચેતવણી પત્ર મળ્યા બાદ બીએસઈ પર મંગળવારના કામકાજ દરમિયાન One97 Communications (Paytm)નો શેર બે ટકાના કડાકા સાથે રૂ. 461.1 બોલાયો હતો.
નોંધવુ રહ્યું કે વિવિધ પ્રકારના વિવાદમાં ઘેરાયેલી આ કંપનીના શેરમાં લિસ્ટીંગ સમયે રોકાણકારોએ અઢળક કમાણી કરી હતી અને ત્યાર બાદ ભરપૂર નાણાં ગુમાવ્યા છે. આ શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 30% ધોવાણ થયું છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ જણાવ્યું હતું કે Paytm અને હવે બંધ થઈ ગયેલી Paytm પેમેન્ટ્સ બેંક વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૨માં અમુક આર્થિક વ્યવહારો કંપનીની ઓડિટ કમિટી અથવા તેના શેરધારકોની મંજૂરી વગર કરવામાં આવ્યા હતા.
સેબીની વહીવટી ચેતવણીના જવાબમાં, કંપનીએ કહ્યું છે કે તે તમામ લિસ્ટિંગ નિયમોનું સતત પાલન કરે છે અને તે બજાર નિયામકને વિગતવાર પ્રત્યુતર આપશે.