શરદ પવારે શા માટે કહ્યું કે PM Modiએ Mamta Banerjee પર ગર્વ કરવો જોઈએ

મુંબઈઃ આજે મહિલા દિવસ નિમિત્તે NCP શરદચંદ્ર પવારના વડા શરદ પવારે મમતા બેનર્જી પર પ્રશંસાના ફૂલો વરસાવ્યા છે. આ સાથે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ સલાહ આપી છે. શરદ પવારે કહ્યું કે મોદીને મમતા પર ગર્વ હોવો જોઈએ. મમતા એક નાનકડા ઓરડામાં રહે છે અને બંગાળ રાજ્ય ચલાવે છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી ખૂબ જ સાદી જીવનશૈલી ધરાવે છે.
અમે બંનેએ સાથે કામ કર્યું છે. અમે કેન્દ્રીય કેબિનેટમાં સાથે હતા. હું કોલકાતામાં તેમના ઘરે ગયો છું. તમને આશ્ચર્ય થશે કે ઘણા પદો પર રહી ચૂકેલાં અને પ્રધાન રહી ચૂકેલાં મમતા 10 બાય 10ના રૂમમાં રહે છે. દસ બાય દસ રૂમમાં રહેતી સ્ત્રી તે રાજ્ય પર શાસન કરે છે. જનતા તેમને ત્રણ-ચાર વખત સન્માન સાથે ચૂંટે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મમતા બેનર્જી પર ગર્વ હોવો જોઈએ. પરંતુ તેઓ તેમની ટીકા કરી રહ્યા છે. આ લોકશાહી વ્યવસ્થામાં સ્વીકાર્ય નથી.
શરદ પવારે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીનું રાજકીય વર્તન આપણા લોકતંત્ર માટે ખૂબ જ ખતરનાક છે. અને જો આમ થશે તો સામાન્ય માણસના અધિકારો સાથે ચેડાં થશે. તેથી, આપણે આપણા મૂળભૂત અધિકારો, સ્વતંત્રતા અને બંધારણ પ્રત્યે ખૂબ જ સાવચેત અને સજાગ રહેવું જોઈએ. શરદ પવાર ગુરુવારે લોનાવલામાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમણે છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારની નીતિઓ અને તેના નબળા શાસનની ટીકા કરી હતી.
પવારે કહ્યું કે આજે સત્તામાં રહેલા લોકો ગાંધીજીના વખાણ કરે છે અને નેહરુની ટીકા કરે છે. તેમણે કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણની પણ આદર્શ કૌભાંડ મામલે ટીકા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા માટે બનેલા ઈન્ડિયા ગઠબંધનમાં પવાર અને બેનરજીની પાર્ટી પણ ભાગીદાર છે. જોકે મમતાએ પશ્ચિમ બંગાળની તમામ બેઠકો પર પોતાના જ ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી દીધી છે. પવારનો પક્ષ કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણીની તૈયારી કરી રહ્યો છે.