મોદી લોકશાહીનો નાશ કરી રહ્યા છે, તેમની અને પુતિનમાં કોઈ ફરક નથી: શરદ પવાર
સોલાપુર: નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એસપી)ના સુપ્રીમો શરદ પવારે રવિવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કોઈ તફાવત નથી. તેઓ દેશમાં લોકશાહીનો ધીરે ધીરે નાશ કરી રહ્યા છે.
શરદ પવાર સોલાપુર જિલ્લાના અકલુજ ખાતે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, જ્યાં તેમણે માઢા અને સોલાપુર લોકસભા બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા કરવા ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન વિજયસિંહ મોહિતે પાટિલના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.
મોદી ઈચ્છતા નથી કે વિપક્ષમાંથી કોઈ પણ ચૂંટાય. વડાપ્રધાનનું આ વલણ દર્શાવે છે કે તેમના અને રશિયાના વ્લાદિમીર પુતિન વચ્ચે કોઈ તફાવત નથી, એમ તેમણે કહ્યું હતું.
દેશમાં જ્યારે આદર્શ આચારસંહિતા લાગુ હોય ત્યારે સેવા આપતા મુખ્ય પ્રધાન (અરવિંદ કેજરીવાલ)ની ધરપકડ દર્શાવે છે કે મોદી ધીમે ધીમે સંસદીય લોકશાહીને નષ્ટ કરી રહ્યા છે અને દેશ નિરંકુશતા તરફ આગળ વધી રહ્યો છે, એમ પવારે જણાવ્યું હતું.
લોકશાહીમાં શાસક પક્ષની જેમ વિપક્ષની હાજરી પણ એટલી જ મહત્વની છે, એમ તેમણે જણાવ્યું હતું.
જ્યારે લોકસભા ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટો વિશે પૂછવામાં આવ્યું ત્યારે પવારે કહ્યું, તેમના મેનિફેસ્ટો પર ટિપ્પણી કરવાનો આ યોગ્ય સમય નથી. જો કે, વચનો આપવા એ ભાજપની વિશેષતા છે.
તેમણે એવી માહિતી આપી હતી કે માઢા અને સોલાપુર લોકસભા મતવિસ્તાર અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસના નેતા સુશીલકુમાર શિંદે, વિજયસિંહ મોહિતે પાટીલ અને અન્ય અગ્રણી પાર્ટી પદાધિકારીઓ હાજર હતા.
વિજયસિંહ મોહિતે પાટીલના ભત્રીજા ધૈર્યશીલ મોહિતે પાટીલે આ સપ્તાહની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને તેઓ એનસીપી (શરદ પવાર)માં જોડાય તેવી શક્યતા છે.
અમે ઈચ્છીએ છીએ કે ધૈર્યશીલ માઢા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલની હાજરીમાં તેમના પ્રવેશ અંગેનો નિર્ણય એકાદ દિવસમાં લેવામાં આવશે. સોલાપુર અને માઢા બેઠકો વિશે વધુ એક ટૂંકી બેઠક 16 એપ્રિલે યોજાશે, એમ પણ પવારે જણાવ્યું હતું. (પીટીઆઈ)