
નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણીના ચાર તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું અને આગામી માત્ર ત્રણ તબક્કામાં મતદાન પૂર્ણ થઈ જવાનું છે. આ સમયે રાજકીય પક્ષો પ્રચાર માટે મેદાનમાં કોઈ બાજી છોડી શકે તેમ નથી. ભાજપના વિજયરથને આગળ વધારવા ખુદ વડાપ્રધાન મોદી જ ચૂંટણી પ્રચારમાં મેદાને ઉતર્યા છે. આ સમયે શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 370 બેઠક જીતવાના દાવા પર નિવેદન આપ્યું છે, જે હાલ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
જગદગુરુ શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી રાજસ્થાનમાં તેમની જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમને નરેન્દ્ર મોદી દ્વારા લોકસભા ચૂંટણીમાં ભાજપને 370 બેઠકો મેળવવાના કરાયેલા દાવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, “અમે એવું કાઇ જણાવતા નથી. જે સંભાવનાઓ હોય છે તેમને અનુમાન કે ગણતરીના આધારે અંદાજ લગાડવામાં આવે છે. પણ જ્યાં રોજ ષડયંત્ર થઈ રહ્યા હોય, રોજ નવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય, ત્યાં કોઈ કઈ ન કહી શકે. જે કહેવામાં આવી રહ્યું છે તે મનોબળ વધારવા માટે કહેવાય રહ્યું છે.
આ દરમિયાન તેમને ગૌહત્યા સબંધિત પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો જેના પ્રત્યુતરમાં તેમણે જણાવ્યું હતું કે, અમે દરેક વાત પહોંચાડીએ છીએ, સરકારથી કોઈ વાત છૂપી રહી શકે ? અમે જે પણ વાત કરીએ છીએ, સરકાર તેને રેકોર્ડ કરી લે છે અને અમે કોઈ વાત છૂપી રીતે કરતાં નથી.” શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે લોકો એવું માને છે કે તમે સરકારના વિરોધી છો. તો તેમનો જવાબ આપતા કહ્યું હતું કે, “સરકાર બીજું કરશે પણ શું ? જ્યારે આપણી પાસે જવાબ નથી હોતા તો આપણે પણ એ જ કરીએ છીએ કે તે અમારા વિરોધમાં છે અને એટલે જ બોલી રહ્યા છે. પણ મૂળ વાત એ છે કે અમારી વાતનો જવાબ આપો. કોઈ કોઈના પક્ષમાં નથી હોતું, આજ કોઈ વિરોધમાં છે તે કાલે તેની સાથે હશે. કોઈ સ્થાયી રીતે કોઈના સમર્થનમાં નથી.
શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ 22 જાન્યુઆરીએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ભાગ નહોતો લીધો. તેમની સાથે અન્ય ત્રણ શંકરાચાર્ચ પણ આ ઉજવણીમાં ભાગીદાર નહોતા થયા. તેમણે મંદિરને કામ પૂર્ણ કર્યા વિના જ પ્રાણ પ્રતિષ્ઠા કરવાના લીધે તેઓ આ મહોત્સવથી અળગા રહ્યા હતા.