આપણું ગુજરાતનેશનલ

ગુજરાતના બે મોટા નેતાઓની બેઠકથી રાજકીય માહોલ ગરમાયો

અમદાવાદઃ દેશના ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિતભાઈ શાહ અને રાજ્યના પૂ્ર્વ મુખ્ય પ્રધાન અને મજબૂત નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે થયેલી બેઠક ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. આ મુલાકાત બાદ ગુજરાતમાં કંઈ નવા જૂની થવાની કે નહીં તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. જોકે શંકરસિંહના જણાવ્યા અનુસાર આ એક અનૌપચારિક બેઠક હતી અને આનો રાજકીય અર્થ કાઢવો નહીં, પણ બે આટલા મોટા નેતાની અચાનક ગાંધીનગર ખાતે બંધ બારણે યોજાયેલી બેઠક ચર્ચાયા વિના રહે તેમ નથી.

રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ બેઠક ડિસેમ્બર મહિનામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પણ હોઈ શકે. લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો. તેમની નારાજગીની અસર લોકસભાની ગુજરાતની બેઠકો પર તો ખાસ જોવા મળી નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ નારાજગી નડી શકે તેમ છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે વાઘેલા સાથે ચર્ચા કરવામાં આવી હોય તેવી શક્યતા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાઈ હતી અને તે સમયે પણ શંકરસિંહ ભાજપમાં જોડાશે અથવા કૉંગ્રેસમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી, પરંતુ વાઘેલા કોઈ પક્ષમાં જોડાયા ન હતા. વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહે કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેમની હાર થઈ હતી. મહેન્દ્ર સિંહ ફરી ભાજપમાં જોડાશે કે શું તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button